અમદાવાદ મ્યુનિ.ની સામાન્ય સભામાં ગાયોના મોતને મુદ્દે ભાજપ-કોંગ્રેસના સામસામે આક્ષેપો
અમદાવાદ: શહેરના મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે હોબાળો થયો હતો. શહેરના દાણીલીમડા ઢોરવાડામાં માલધારીઓના વિરોધ મામલે મ્ય.નિની સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષી નેતા કાઉન્સિલર ઇકબાલ શેખે રજૂઆતમાં ગાયોના નામે મત માંગી અને ત્યારબાદ ગાયો પર ધ્યાન ન આપતા હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. ભાજપની મહિલા કોર્પોરેટરો અને કોંગ્રેસની મહિલા કોર્પોરેટરોએ એકબીજા સામે છાજિયાં લઇ વિરોધ કર્યો હતો.
મ્યુનિ,કોર્પોરેશનની સામાન્ય સભામાં કેટલાક વિપક્ષના સભ્યોએ એવી પણ રજુઆક કરી હતી કે, રખડતા ઢોર પકડવા માટે મ્યુનિ.ના અધિકારીઓ હાઇકોર્ટના આદેશનું ખોટું અવલોકન કરી રહ્યા છે. CNCD વિભાગના અધિકારીઓ ગાય પકડવા આવે તે પહેલા તેના માલિકને ફોન કરી દે છે. બીજી તરફ જે ગાય વાડામાં બાંધી હોય તેમની ગાયો પકડીને લઇ જાય છે. જો કે આ આક્ષેપોનો જવાબ આપતા કાઉન્સિલર મહાદેવભાઈ વળતો જવાબ આપ્યો કે પહેલા વિપક્ષ તેમના વિસ્તારમાં ગાયો કપાતી રોકે પછી ગાયો ઉપર ચર્ચા કરે. મામલો વધુ ઉગ્ર બનતા વિપક્ષે મેયરને ગાયની પ્રતિકૃતિ આપી પોતાની રજૂઆત કરી. આ સામે સત્તા પક્ષ અને વિપક્ષ બંને વેલમાં ધસી આવતા બેઠક સમાપ્ત કરવી પડી હતી. જો કે આ પહેલા વિપક્ષના કાઉન્સિલરોએ રોડ, સ્વચ્છતા અને પીવાના પાણીની સમસ્યાને લઇ બેઠકમા રજૂઆતો કરી હતી. કાઉન્સિલર સમીના શેખે સામાન્ય સભામાં રજૂઆત કરી કે બોપલ ઘુમા વિસ્તારમાં સફાઈ ન થવાથી લોકો ત્રસ્ત છે. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાનું કામ છોડી કમિશ્નરને કોલ કરવો પડે તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે? AMC જનતા પાસે સફાઈના નામે ટેક્સ લે છે પણ તે અન્ય શહેરોની સરખામણીએ ઘણું પાછળ છે. બીબી તળાવનું નામ બદલી સદભાવના તળાવ કેમ રાખવામાં આવ્યું? આ સાથે કુબેરનગરના કાઉન્સિલર નિકુલ તોમરની સભામાં રજૂઆત હતી કે, લોકોને પીવાનું પાણી આપી શકતા નથી તો આપણે શું કરવાના? તેમણે રજૂઆત કરી કે જયારે તેઓ કામ કરવા અધિકારીઓને કહે છે તો કામ થતું નથી પણ જો RTI એક્ટિવિસ્ટ કોલ કરે તો કામ થઇ જાય છે.


