Site icon Revoi.in

અમેરિકા પણ રશિયા પાસેથી આયાત કરે છે: ભારતનો વળતો પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ રશિયાથી તેલની આયાત કરવાના મુદ્દે અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર ભારતીય વિદેશ મંત્રાલયે આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે યુક્રેન સંઘર્ષ પછી રશિયા પાસેથી તેલ આયાત કરવા બદલ ભારતને નિશાન બનાવવું એ સંપૂર્ણપણે અન્યાયી અને અસંગત છે.

વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈપણ મોટા અર્થતંત્રની જેમ ભારત પણ તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવા માટે સ્વતંત્ર છે. યુક્રેન સંઘર્ષ શરૂ થયા બાદ, તેલનો પરંપરાગત પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે ભારતે રશિયાથી તેલ આયાત કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે, અમેરિકાએ વૈશ્વિક ઉર્જા બજારની સ્થિરતા માટે ભારતની આયાતને ટેકો પણ આપ્યો હતો. ભારતની આ આયાતનો મુખ્ય ઉદ્દેશ ભારતીય ગ્રાહકોને સસ્તા દરે તેલ ઉપલબ્ધ કરાવવાનો છે.

ભારતે અમેરિકા અને યુરોપિયન યુનિયનની બેવડી નીતિ પર પણ આંગળી ચીંધી. વિદેશ મંત્રાલયે કહ્યું કે એક તરફ અમેરિકા ભારતની આયાત પર સવાલો ઉઠાવે છે, જ્યારે બીજી તરફ તે પોતે પોતાના પરમાણુ ઉદ્યોગ માટે યુરેનિયમ, ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે પેલેડિયમ અને ખાતરો તથા રસાયણોની આયાત રશિયા પાસેથી જ કરી રહ્યું છે. આ નિવેદન દ્વારા ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત પોતાના નાગરિકોના હિતોનું રક્ષણ કરવા માટે કોઈપણ દબાણ સામે ઝૂકશે નહીં.

Exit mobile version