Site icon Revoi.in

અમેરિકાઃ ટ્રમ્પે રોબર્ટ એફ. કેનેડી જુનિયરને સ્વાસ્થ્ય મંત્રી બનાવ્યા

Social Share

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તેઓ જાન્યુઆરી મહિનામાં વ્હાઇટ હાઉસમાં પદના શપથ લેશે. આ પહેલા તે પોતાની નવી ટીમ બનાવવામાં વ્યસ્ત છે. અગાઉ તેમણે તેમની કેબિનેટમાં બે હિન્દુ ચહેરાઓને સ્થાન આપ્યું છે અને હવે તેમણે રોબર્ટ એફ. કેનેડી જુનિયરને આરોગ્ય અને માનવ સેવા વિભાગની જવાબદારી સોંપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પદ પર તેમની નિમણૂકની જાહેરાત કરી છે. પરંતુ આ નિમણૂક સાથે વિરોધ પણ થઈ ગયો છે.

રોબર્ટ એફ. કેનેડી જુનિયરને સમગ્ર વિશ્વમાં વેક્સિનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. તેઓ વિશ્વના સૌથી શક્તિશાળી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ. કેનેડીના ભત્રીજા અને એટર્ની જનરલ રોબર્ટ એફ. કેનેડીના પુત્ર છે. તેમણે ગયા વર્ષે ડેમોક્રેટિક નોમિનેશન માટે જો બાયડનને પડકાર્યા હતા અને બાદમાં રાષ્ટ્રપતિની રેસમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ભાગ પણ લીધો હતો. જો કે, કેનેડીએ પાછળથી રિપબ્લિકન પાર્ટી સાથે સમાધાન કર્યું અને ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનું સમર્થન જાહેર કર્યું. જેના બદલામાં હવે તેમને મંત્રીપદ સોંપવામાં આવ્યું છે.

આ પદ માટે કેનેડીના નામની જાહેરાત કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે કોઈપણ સરકારની સૌથી મોટી જવાબદારી તેના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સુનિશ્ચિત કરવાની હોય છે. આરોગ્ય અને માનવ સેવા વિભાગ આ મામલે મોટી ભૂમિકા ભજવશે. આ વિભાગ એ સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કે તમામ અમેરિકન નાગરિકો જોખમી કેમિકલ, પ્રદૂષકો, જંતુનાશકો, દવાઓ અને ખાદ્ય પદાર્થોથી સુરક્ષિત છે જે આજે આપણા દેશ માટે એક મોટું સ્વાસ્થ્ય જોખમ ઊભું કરે છે.

અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી તરીકે રોબર્ટ એફ. કેનેડી જુનિયરની નિમણૂકની જાહેરાત બાદ તરત જ આ નિર્ણયને લઈને વિરોધ શરુ થઈ ગયો છે. રિપોર્ટ અનુસાર, એક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્રમ્પે એક એવી વ્યક્તિને પોતાની ટીમમાં સામેલ કર્યા છે, જેમના મંતવ્યો જાહેર સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી ખતરનાક માનવામાં આવે છે. તે વેક્સિન વિરોધી છે.

Exit mobile version