Site icon Revoi.in

નેચરલ હીરાની મંદીના માહોલમાં લેબગ્રોન ડાયમન્ડમાં તેજીથી રત્નકલાકારોની દિવાળી સુધરી

Social Share

સુરતઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. પણ છેલ્લા કેટલાક વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. ટ્રમ્પના ટેરિફ અને રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે નેચરલ હીરાની માગ ઘટતા હીરાના અનેક કારખાનાને તાળા લાગવાની સ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે હવે નેચરલ હીરાને બદલે લેબગ્રોન ડાયમન્ડની માગમાં વધારો થતાં ફરી હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. અને ડાયમંડ સિટી ગણાતા સુરતના હીરા ઉદ્યોગ માટે આ વર્ષની દિવાળી ખુશીની લહેર લઈને આવી છે.

નેચરલ હીરામાં  લાંબા સમયથી ચાલી રહેલી મંદીના માહોલ વચ્ચે લેબગ્રોન ડાયમંડની વધતી વૈશ્વિક માંગને કારણે હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે. આ સકારાત્મક માહોલના પગલે, સુરતમાં આ વખતે દિવાળી વેકેશન ટૂંકું રહેવાની શક્યતા છે, જે છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમવાર બનશે. સામાન્ય રીતે દિવાળી દરમિયાન સુરતમાં હીરાના કારખાનાઓ 21થી 30 દિવસ સુધી બંધ રહેતા હોય છે, પરંતુ આ વર્ષે લેબગ્રોન ડાયમંડની તેજીને કારણે વેકેશન માત્ર 10થી 15 દિવસનું રહેવાની સંભાવના છે.

સુરત ડાયમન્ડ એસોના સૂત્રોના કહેવા મુજબ અમેરિકા અને યુરોપ જેવા મુખ્ય બજારોમાં નેચરલ હીરાની માંગમાં ઘટાડો અને વૈશ્વિક આર્થિક મંદીના કારણે સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીમાં હતો. જોકે, લેબગ્રોન ડાયમંડની વધતી લોકપ્રિયતાએ ઉદ્યોગને નવો વેગ આપ્યો છે. વિદેશમાં તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને લેબગ્રોન ડાયમંડની માંગમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. ચીનની લેબગ્રોન ડાયમંડ કંપનીઓ દ્વારા માંગ વધતા લેબગ્રોન રફ હીરાના ભાવમાં 13થી 15 ટકાનો વધારો નોંધાયો છે. લેબગ્રોનની તેજીએ સમગ્ર ઉદ્યોગમાં એક સકારાત્મક માહોલ બનાવ્યો છે, જેના કારણે કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના કહેવા મુજબ, સુરત શહેરમાં ઘણા લેબગ્રોન ડાયમંડ એકમો અને જાડી સાઇઝના રિયલ ડાયમંડનું કામ કરતા કારખાનાઓ ધનતેરસ સુધી અથવા તો દિવાળીના એક-બે દિવસ પહેલા સુધી પણ ચાલુ રહી શકે છે. આનાથી કારીગરોને દિવાળી પહેલા વધુ આવક મેળવવાની તક મળશે. લેબગ્રોન ડાયમન્ડમાં તેજીને લીધે દિવાળી પછી પણ કામની અછત નહીં રહે એવું લાગી રહ્યુ છે.

Exit mobile version