અમરેલીમાં ચાર મિનિટના સમયગાળામાં ભૂકંપના 3 આંચકા નોંધાયાં, લોકોમાં ભય ફેલાયો
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. આ ઉપરાંત જામનગર સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં અવાર-નવાર ભૂકંપના આચકા નોંધાય છે. દરમિયાન આજે સાંજે અમરેલીમાં ભૂકંપના એક-બે નહીં પરંતુ 3 વખત ધરા ધ્રુજી હતી. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ધરતીકંપના આ આંચકાઓમાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના મીતીયાળામાં ગઈકાલે ભૂકંપના આંચકા આવ્યા બાદ આજે બીજા દિવસે પણ સતત આંચકા સ્થાનિકોએ અનુભવ્યાં હતા. મીતીયાળા પંથકમાં સવારે માત્ર 4 મિનિટના સમયગાળામાં એક-બે નહીં પરંતુ 3 વખત ધરતી ધ્રુજી હતી. પહેલો આંચકો સવારે 7.51 કલાકે, બીજો આંચકો સવારે 7.53 કલાકે અને ત્રીજો આંચકો સવારે 7.55 કલાકે અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું છે. સતત ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી છે. ભૂકંપના પગલે લોકો તાત્કાલિક ઘરના બહાર દોડી ગયા હતા. જો કે, ભૂકંપની તિવ્રતા કેટલી હતી તે જાણી શકાયુ નથી.