Site icon Revoi.in

અમરેલી: દરિયામાં બે બોટ ડૂબી, 8 માછીમારો લાપત્તા બન્યાં

Social Share

રાજકોટઃ અરબી સમુદ્રમાં સર્જાયેલી ભારે પવન અને વરસાદની પરિસ્થિતિને કારણે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે મોટો અકસ્માત સર્જાયો છે. જાફરાબાદથી લગભગ 18 નોટિકલ માઈલ દૂર દરિયામાં બે માછીમાર બોટ ડૂબી ગઈ છે. આ ઘટનામાં કુલ 18 માછીમારો સવાર હતા, જેમાંથી 10 ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 8 માછીમારોની શોધખોળ ચાલી રહી છે.

જાફરાબાદની ‘જયશ્રી તાત્કાલિક’ અને ગીર-સોમનાથના રાજપરાની ‘મુરલીધર’ નામની બે બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. બંને બોટમાં 9-9 માછીમારો હતા. સદ્ભાગ્યે, આસપાસથી પસાર થઈ રહેલી અન્ય બોટના માછીમારોએ સમયસર બચાવકાર્ય હાથ ધરીને 10 માછીમારોને બચાવી લીધા હતા. બચાવવામાં આવેલા માછીમારોમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ખરાબ હવામાન અને ભારે પવનને કારણે બચાવકાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પીપાવાવ કોસ્ટગાર્ડને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે, પરંતુ ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટર મોકલવું હાલ શક્ય નથી. તેથી, અન્ય માછીમાર બોટ દ્વારા શોધખોળની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જાફરાબાદ કોળી સમાજ બોટ એસોસિયેશનના પ્રમુખ હમીર સોલંકી અને ખારવા સમાજ બોટ એસોસિયેશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે તમામ બોટ ધારકો સતર્ક છે અને બચાવકાર્યમાં સહયોગ આપી રહ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા વાયરલેસ મારફતે પણ માહિતી મેળવીને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બાકીના 8 માછીમારોને સહીસલામત શોધવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.