નવી દિલ્હીઃ પંજાબમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ ને શ્રી હરમંદિર સાહિબને આર. ડી. એક્સ. વડે ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યા બાદ અમૃતસરના સુવર્ણ મંદિરમાં અને તેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. એસજીપીસીના મુખ્ય સચિવ કુલવંત સિંહ મન્નાને જણાવ્યું હતું કે ધમકીભર્યો મેઇલ મળતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને એસજીપીસીએ પોતે પણ સુરક્ષા વધારી દીધી હતી.
અમૃતસર પોલીસ કમિશનર, ગુરપ્રીત સિંહ ભુલ્લરે માહિતી આપી હતી કે પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને બોમ્બ નિકાલ ટુકડી અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સલામતીની ટીમો તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે. જો કે, તેમણે કહ્યું કે શરૂઆતમાં એવું લાગે છે કે કોઈએ ગભરાટ ફેલાવવા માટે મેઇલ મોકલ્યો છે. જોકે, ભુલ્લરે લોકોને ચિંતા ન કરવાની અપીલ કરી આ કેસને વહેલામાં વહેલી તકે ઉકેલવાની પણ તેમણે ખાતરી આપી છે.