
દિલ્હીમાં NDA અને ઈન્ડી ગઠબંધનની મહત્વની બેઠક મળશે, આગળની રણનીતિ તૈયાર કરાશે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કેન્દ્રમાં સરકાર બનાવવાની કવાયત તેજ બની છે. ભાજપના નેતૃત્વમાં એનડીએને બહુમતી મળી છે. પરંતુ સત્તાની ચાવી ટીડીપીના ચીફ એન ચંદ્રબાબુ નાયડુ અને બિહારના સીએમ નીતિશકુમારના હાથમાં છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી નથી. બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ ટીએમસી અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી ગઠબંધન ઈન્ડીની બેઠક મળશે. બીજી તરફ એનડીએની પણ મહત્વની બેઠક મળશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, 5મી જૂનના રોજ ગઠબંધનની બેઠકમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. નવા સહયોગી પક્ષોની સંભાવના પણ આ બેઠકમાં શોધવામાં આવશે. કોંગ્રેસની પ્રાથમિકતા સરકારનું નેતૃત્વ કરવાનું નહીં પરંતુ અન્ય નાના પક્ષોનું સમર્થન મેળવવાનું છે. કોંગ્રેસનું નેતૃત્વ બિહારના સીએમ નીતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરવા માટે ગઠબંધનના સભ્યો સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત બેઠકમાં પીએમ પદના નેતા અંગે પણ વિચારણા કરવામાં આવે તેવી શકયતા છે.
એનડીએની બેઠક પણ મહત્વની રહેવાની છે. આંધ્રપ્રદેશમાં ભવ્ય જીત બાદ ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુ અધ્યક્ષ નીતિશકુમાર સહિતના અન્ય નેતાઓ પણ આ બેઠકમાં સામેલ રહે તેવી શકયતા છે. બંને નેતાઓ એનડીએમાં રહે તે મહત્વનું છે. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ભાજપાને 272 બેઠકોની જરુર છે. જ્યારે ભાજપ 240 બેઠક ઉપર જીત્યું છે. ટીડીપીએ 16 અને જેડીયુએ 12 બેઠકો ઉપર જીત મેળવી છે. જો બંને નેતાઓ ઈન્ડી ગઠબંધનને સમર્થન આવે તો એનડીએને સરકાર બનાવવામાં ભારે મુશ્કેલી ઉભી થઈ શકે છે. જો કે, હાલ બંને નેતાઓએ ઈન્ડિ ગઠબંધનમાં જોડાવવાનો ઈન્કાર કર્યો છે.