
જેલમાં બંધ અમૃતપાલ અને અબ્દુલ રશીદ ચૂંટણી જીત્યા, જાણો જેલમાં બેઠા-બેઠા કેવી રીતે કરશે કામ
નવી દિલ્હીઃ દેશની 18મી લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. એનડીએ ગઠબંધન સરકારે બહુમતી હાંસલ કરી છે. પરંતુ બે બેઠક ઉપરથી જીતેલા જ્યાં ઉમેદવારો હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે અને ચૂંટણી જીત્યા છે. હવે સવાલ એ છે કે, જેલમાં બંધ સાંસદ કેવી રીતે કામ કરી શકે? આજે અમે તમને જણાવીશું કે જેલમાંથી સાંસદ શું કામ કરી શકે છે.
પંજાબની ખદુર સાહિબ સીટ પર સૌથી મોટો અપસેટ માનવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં અહીંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેલા અમૃતપાલ સિંહની જીત થઈ છે. અમૃતપાલ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે. તેણે જેલમાંથી જ ઉમેદવારી નોંધાવી હતી.
જમ્મુ-કાશ્મીરની બારામુલા સીટ પર રાશિદ શેખે જીત મેળવી છે. રાશિદ શેખ ઉર્ફે એન્જિનિયર રાશિદે બારામુલા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તેમને આ સીટ પર કુલ 4.70 લાખ વોટ મળ્યા હતા. રાશિદે પોતાના હરીફ ઓમર અબ્દુલ્લાને 2.32 લાખ વોટથી હરાવ્યા છે. આ ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાને 2.66 લાખ વોટ મળ્યા છે. રાશિદ શેખ ઉર્ફે એન્જીનિયર રાશિદ હાલમાં તિહાર જેલમાં બંધ છે અને તે જેલમાં રહીને ચૂંટણી લડ્યા હતા અને જીત્યો છે. રાશિદ પર ટેરર ફંડિંગનો આરોપ છે. તેમના પર UAPA એક્ટ હેઠળ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. રશીદ શેખ જેલમાં હતા ત્યારે તેમના બે પુત્રોએ ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી હતી.
ભારતમાં આ પહેલીવાર નથી કે, જેલમાં રહીને ઉમેદવાર જીત્યા હોય. એવા ડઝનબંધ ભારતીય રાજકારણીઓ છે જેમણે જેલમાં રહીને જીત હાંસલ કરી છે. જેલમાં હતા ત્યારે મુખ્તાર અંસારી ઉત્તર પ્રદેશની મઉ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા કલ્પનાનાથ રાય સામે બસપાની ટિકિટ પર જીત્યા હતા. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કલ્પનાનાથ રાયે જેલમાં રહીને 1996ની લોકસભાની ચૂંટણી લડી હતી અને મુખ્તાર અંસારીને હરાવીને ઘોસી બેઠક જીતી હતી. સપાના નેતા નાહિદ હસને પણ 2022માં કૈરાના વિધાનસભા સીટથી જેલમાંથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.
ભારતીય બંધારણના નિયમો અનુસાર કોઈપણ ભારતીય નાગરિક જેલમાંથી ચૂંટણી લડી શકે છે. પરંતુ લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 62(5) હેઠળ જેલના કેદીને મત આપવાનો અધિકાર નથી. બંધારણ મુજબ મતદાન એ કાનૂની અધિકાર છે. પરંતુ જે લોકો આ કાયદાનું ઉલ્લંઘન કરે છે તેઓ તેનો ઉપયોગ કરી શકતા નથી.
હવે સવાલ એ છે કે જેલમાં બંધ સાંસદો કેવી રીતે કામ કરી શકે? તમને જણાવી દઈએ કે જ્યાં સુધી કોઈ સાંસદ જેલમાં હોય છે, ત્યાં સુધી તે પોતાના સાંસદ પ્રતિનિધિ બનાવીને વિસ્તાર માટે કામ કરી શકે છે. પરંતુ જો જેલમાં બંધ સાંસદને કોઈપણ કેસમાં બે વર્ષથી વધુની સજા થશે તો તેનું સભ્યપદ રદ કરવામાં આવશે. આ પછી આ જ બેઠક પર ફરીથી પેટાચૂંટણી યોજાશે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 8(1) અને (2) હેઠળ જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય હત્યા, બળાત્કાર, ધર્મ, ભાષા, આતંકવાદી પ્રવૃત્તિ જેવા ગુનાહિત ષડયંત્રમાં સંડોવાયેલા હોય તો તેની સામે જોગવાઈ છે. તેમની સંસદ અને વિધાનસભાની સદસ્યતા રદ કરવામાં આવશે.