1. Home
  2. Dharma-ધર્મ
  3. તમારા અંદરના મહાભારતનો એક્સ-રેઃ જ્યાં શ્વાસ છે, ત્યાં સંઘર્ષ છે
તમારા અંદરના મહાભારતનો એક્સ-રેઃ જ્યાં શ્વાસ છે, ત્યાં સંઘર્ષ છે

તમારા અંદરના મહાભારતનો એક્સ-રેઃ જ્યાં શ્વાસ છે, ત્યાં સંઘર્ષ છે

0
Social Share

સવારના એલાર્મની પહેલી રિંગ વાગે અને તેને સ્નૂઝ કરવા કે પથારીમાંથી ઊભા થઈ જવા વચ્ચે જે ખેંચતાણ થાય છે ને, ત્યાંથી જ માણસના રોજેરોજના કુરુક્ષેત્રની શરૂઆત થઈ જાય છે. વિડંબના જુઓ, આપણે સૌ શાંતિની શોધમાં નીકળ્યા છીએ, પણ આપણું મન સતત યુદ્ધના મોડમાં જ હોય છે. ઓફિસનું રાજકારણ, ઈએમઆઈનું ટેન્શન, સંબંધોની ગૂંચવણ અને ભવિષ્યની અસલામતી. આ બધું જ આપણા મનના મેદાનમાં સામસામે છાવણી નાખીને ઊભું છે.

આ કોઈ આધુનિક સમસ્યા નથી. હજારો વર્ષો પહેલાં ઋષિ વેદવ્યાસે માનવ મનની આ જટિલતા, તેના સતત ચાલતા દ્વંદ્વ અને અસ્તિત્વના સંઘર્ષને પારખી લીધો હતો. આથી જ તેમણે એક એવું મહાકાવ્ય રચ્યું જે માત્ર ઇતિહાસ ન રહેતા, માનવ મનોવિજ્ઞાનનો સૌથી મોટો ગ્રંથ બની ગયો. આ ગ્રંથ એટલે મહાભારત, અને તેનું મૂળ બીજ એટલે જય સંહિતા.
તો ચાલો, આ અદૃશ્ય સમરાંગણને સમજીએ.

જયથી મહાભારત સુધીની યાત્રા અને વ્યાસનું વિઝન

આપણે મહાભારતને માત્ર એક પારિવારિક વિવાદ, જમીનના ટુકડા માટે થયેલું લોહિયાળ યુદ્ધ કે રવિવારે સવારે ટીવી પર આવતી ધાર્મિક સિરિયલ પૂરતું જ સીમિત કરી દીધું છે. પરંતુ સત્ય એનાથી ઘણું વિશાળ અને ગહન છે. મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ ત્રિકાળજ્ઞાની હતા. તેઓ જાણતા હતા કે આવનારો કળિયુગ શારીરિક યુદ્ધો કરતાં માનસિક યુદ્ધોનો યુગ વધુ હશે. માણસ બીજાથી નહીં, પણ પોતાની જ અંદર રહેલા શત્રુઓથી હારશે. આથી માનવજાતને એક એવો નકશો આપવો જરૂરી હતો, જે તેમને આ ભીતરના ચક્રવ્યૂહમાંથી બહાર કાઢી શકે.

હિમાલયની શાંત કંદરાઓમાં બેસીને વેદવ્યાસે જ્યારે આ ગ્રંથની રચના કરવાનું વિચાર્યું, ત્યારે તેમને એક એવા લખનારની જરૂર હતી જેની બૌદ્ધિક ક્ષમતા અફાટ હોય. આ કામ માટે સ્વયં ભગવાન ગણેશની પસંદગી થઈ.
પણ ગણેશજીએ એક શરત મૂકી, “હું લખીશ ખરો, પણ મારી કલમ અટકવી ન જોઈએ. જો તમે બોલતા અટકશો, તો હું લખવાનું છોડી દઈશ.”

સામે પક્ષે વ્યાસમુનિ પણ કાચા નહોતા, તેમણે વળતી શરત મૂકી, “મંજૂર, પણ તમે શ્લોકનો અર્થ સમજ્યા વિના તેને કાગળ પર ઉતારી શકશો નહીં.”
જ્યારે પણ વ્યાસજીને વિચારવાનો સમય જોઈતો, ત્યારે તેઓ અત્યંત કઠિન અને ગૂઢ અર્થવાળા શ્લોકો (જેને વ્યાસ કૂટ કહેવાય છે) બોલી દેતા. ગણેશજી એનો અર્થ સમજવા થોડી ક્ષણો થંભી જતા અને એ સમયમાં વ્યાસજી નવા શ્લોકો રચી લેતા. આ બૌદ્ધિક જુગલબંધીમાંથી જે પ્રચંડ જ્ઞાનગંગા વહી, તે જ આપણો આ મહાગ્રંથ.

આશ્ચર્યની વાત એ છે કે વ્યાસજીએ મૂળમાં જે ગ્રંથ રચ્યો હતો તેમાં માત્ર ૮,૮૦૦ શ્લોકો જ હતા. અને તેનું નામ મહાભારત નહોતું, પણ જય હતું. જય એટલે વિજય.

કોના પર વિજય?

કોઈ અન્ય રાજ્ય કે શત્રુ પર નહીં, પણ પોતાના જ મન પર, પોતાના જ વિકારો પર મેળવેલો વિજય. ત્યારબાદ વૈશંપાયન ઋષિએ રાજા જનમેજયને આ કથા વિસ્તારથી સંભળાવી ત્યારે શ્લોકોની સંખ્યા ૨૪,૦૦૦ થઈ અને તેનું નામ પડ્યું ભારત.
છેવટે, લોમહર્ષણ અને ઉગ્રશ્રવા સૌતિ ઋષિઓ દ્વારા નૈમિષારણ્યમાં ઋષિમુનિઓની સભામાં જ્યારે આ કથા કહેવાઈ, ત્યારે તે કથા, ઉપકથા અને તત્ત્વજ્ઞાનથી સમૃદ્ધ થઈને ૧,૦૦,૦૦૦ શ્લોકોનો મહાસાગર બની ગઈ, જે આજે મહાભારત તરીકે ઓળખાય છે.

વ્યાસજીએ માત્ર બે પરિવારોની કથા નથી લખી, તેમણે એક એવી મિરર ઇમેજ ઊભી કરી છે જેમાં દરેક યુગનો માણસ પોતાનો ચહેરો જોઈ શકે.
કૌરવો અને પાંડવો માત્ર પાત્રો નથી, તે આપણા મનની બે અલગ-અલગ વૃત્તિઓનું મૂર્તિમંત સ્વરૂપ છે. વ્યાસજીનો ઉદ્દેશ્ય એ સમજાવવાનો હતો કે જ્યાં સુધી તમારા ભીતરના કુરુક્ષેત્રમાં ધર્મ (સત્ય, નીતિ અને સમજણ) નો વિજય નહીં થાય, ત્યાં સુધી બહારની દુનિયામાં ગમે તેટલી ભૌતિક સિદ્ધિઓ મેળવશો તો પણ અશાંતિ જ ભોગવવી પડશે. જય સંહિતા એ બીજું કંઈ નહીં, પણ માણસના ઉત્ક્રાંતિ અને આંતરિક જાગૃતિનો પાસવર્ડ છે.

અસલી કુરુક્ષેત્ર હરિયાણામાં નહીં, તમારા મસ્તિસ્કમાં છે

જો આપણે મહાભારતના પાત્રોને માત્ર ઐતિહાસિક વ્યક્તિઓ માનવાની ભૂલ કરીશું, તો તેનો આધ્યાત્મિક અર્થ ક્યારેય સમજી નહીં શકીએ. ચાલો આ આખી ઘટનાનું મનોવિજ્ઞાનિક પોસ્ટમોર્ટમ કરીએ.

આપણું શરીર એ જ કુરુક્ષેત્ર છે. આ મેદાનમાં બે પક્ષ છે, એક છે કૌરવો અને બીજા છે પાંડવો.

ધૃતરાષ્ટ્ર એટલે આપણું અજ્ઞાન અને આપણો મોહ. જે આંખે દેખતો હોવા છતાં પુત્રમોહ (વાસનાઓ) માં આંધળો છે.

કૌરવો એટલે આપણી નકારાત્મક વૃત્તિઓ જેવી કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, અહંકાર વગેરે. આ વૃત્તિઓ સંખ્યામાં અનેક છે, તેથી કૌરવો છે. તે હંમેશાં સત્તા (મન) પર કબજો જમાવવા ઉત્સુક રહે છે.

પાંડવો એટલે આપણા સકારાત્મક ગુણો જેમ કે સત્ય, દયા, શાંતિ, પ્રેમ અને અહિંસા. અથવા તો આપણી 5 જ્ઞાનેન્દ્રિયો જેને શુદ્ધ રાખવી અઘરી છે. તેથી તે માત્ર 5 છે, પણ અત્યંત શક્તિશાળી છે.

અર્જુન એટલે આપણો જીવાત્મા, જે શંકા, વિષાદ અને કન્ફ્યુઝનથી ઘેરાયેલો છે.
“મારે શું કરવું જોઈએ?”
એવા દ્વંદ્વમાં ફસાયેલો આજનો સામાન્ય માણસ એટલે જ અર્જુન.

કૃષ્ણ એટલે આપણો અંતરાત્મા, શુદ્ધ બુદ્ધિ કે પરમાત્મા

આપણા મનમાં દરરોજ આ જ કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે. ક્રોધ (દુર્યોધન) અને લોભ (દુઃશાસન) વારંવાર સત્ય અને શાંતિ (યુધિષ્ઠિર) નું ચીરહરણ કરવાનો પ્રયાસ કરે છે. આ ભીતરના યુદ્ધમાં જ્યાં સુધી તમે તમારા મનરૂપી રથની લગામ કૃષ્ણ (વિવેકબુદ્ધિ અને અંતરાત્મા) ના હાથમાં નહીં સોંપો, ત્યાં સુધી આ કુરુક્ષેત્રમાં તમારો જય અસંભવ છે.

ડિજિટલ યુગના કૌરવો અને સ્માર્ટફોનનું ચક્રવ્યૂહ

આજની તારીખે આપણી પાસે તીર અને તલવારો નથી, પણ આપણા હાથમાં રહેલો સ્માર્ટફોન જ એક મોટું ચક્રવ્યૂહ છે. સોશિયલ મીડિયા પર બીજાની ચમકતી જિંદગી જોઈને જાગતો FOMO (ફિયર ઓફ મિસિંગ આઉટ) એ આધુનિક યુગનો દુર્યોધન છે, જે સતત કહે છે કે “મારે બધું જ જોઈએ છે.”
જંકફૂડ ખાવાની લાલચ એટલે કૌરવ અને સવારે વહેલા ઊઠીને કસરત કરવાનો સંકલ્પ એટલે પાંડવ, આ બંને વચ્ચે રોજ સવારે કુરુક્ષેત્ર રચાય છે.

આપણી અંદર ચાલતા સારા અને ખરાબ વિચારો વચ્ચેના યુદ્ધને મેનેજ કરવાનો એકમાત્ર રસ્તો છે, સાક્ષીભાવ.
જ્યારે પણ મનમાં ખરાબ વિચાર જેવા કે ક્રોધ, ઈર્ષા, આળસ આવે, ત્યારે તેની સામે લડવાને બદલે થોડીવાર અર્જુનની જેમ રથ થોભાવી દો. તમારા અંતરાત્મા એટલે કૃષ્ણને પૂછો કે “શું આ મારા માટે યોગ્ય છે?”
ખરાબ વિચારોને દબાવવાથી તે બમણા વેગથી ઉછળશે, પણ જો વિવેકરૂપી સુદર્શન ચક્રનો ઉપયોગ કરશો, તો નકારાત્મકતા આપમેળે કપાઈ જશે. આજે મેનેજમેન્ટ ગુરુઓ જેને માઈન્ડફુલનેસ કહે છે, તે બીજું કંઈ જ નહીં પણ વ્યાસજીએ આપેલી જયની ફોર્મ્યુલા જ છે.

પોતાના જ અંધકાર પર વિજય એટલે અસલી જય

મહાભારત એ ભૂતકાળમાં બનેલી કોઈ દુઃખદ ઘટનાનો રિપોર્ટ નથી, પણ ભવિષ્યને બચાવવા માટે લખાયેલી સર્વાઇવલ મેન્યુઅલ છે. વેદવ્યાસ આપણને એ હકીકતથી વાકેફ કરવા માગતા હતા કે જ્યાં સુધી મનુષ્ય પોતાની અંદર રહેલા અહંકાર અને સ્વાર્થના દુર્યોધનને જીવતો રાખશે, ત્યાં સુધી બહારની દુનિયામાં શાંતિની અપેક્ષા રાખવી એ મૂર્ખામી છે.

જીવન એક એવું કુરુક્ષેત્ર છે જ્યાં કોઈ રિટાયરમેન્ટ નથી મળતું. છેલ્લા ધબકારા સુધી સારા અને નરસા વચ્ચે, સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે, ભોગ અને ત્યાગ વચ્ચે આ ખેંચતાણ ચાલતી જ રહેવાની છે. મહત્ત્વ એ વાતનું નથી કે તમે કેટલી વાર પડો છો કે હારો છો પણ મહત્ત્વ એ વાતનું છે કે શું તમારા રથનો સારથિ સાચો છે? જો તમે તમારી વૃત્તિઓને બેફામ દોડવા દેશો, તો વિનાશ નિશ્ચિત છે. પણ જો તમે અર્જુનની જેમ નમ્ર બનીને, અહંકારને બાજુ પર મૂકીને, ઉચ્ચ ચેતના એટલે કે કૃષ્ણનું શરણ લેશો, તો ગમે તેવા કપરા સંજોગોના ચક્રવ્યૂહમાંથી પણ હેમખેમ બહાર આવી જશો.

યાદ રાખો, આજના યુગમાં કોઈ તમને બચાવવા બહારથી નહીં આવે. તમારો કૃષ્ણ પણ તમારી અંદર જ છે અને તમારો શકુનિ પણ તમારી અંદર જ છે. પસંદગી તમારી છે કે તમે કોની સલાહ માનો છો. અંતે તો, પોતાના જ નબળા વિચારો પર મેળવેલી જીત, એ જ જીવનનો સૌથી મોટો જય છે.
આવો, આપણા ભીતરના કુરુક્ષેત્રમાં ધર્મની સ્થાપનાનો શંખનાદ કરીએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code