આણંદ કૃષિ યુનિવર્સિટીએ સ્ટાફ ટુર્નામેન્ટમાં સિદ્ધિ મેળવી
આણંદ, 2 માર્ચ, 2026 – Anand Agricultural University રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ વચ્ચે યોજાયેલી સ્ટાફ ટુર્નામેન્ટની વિવિધ રમતોમાં આણંદ કૃષિ યુનિવર્સિટીએ અલગ અલગ સ્તરે સિદ્ધિ મેળવી હતી. આ ટુર્નામેન્ટનું આયોજન ગયા અઠવાડિયે આણંદમાં થયું હતું.
વિવિધ કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ વચ્ચે સૌહાર્દ, સંઘ ભાવના અને આરોગ્યપ્રદ જીવનશૈલીનો વિકાસ કરવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટીના યજમાનપદે રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટી – આણંદ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ કામધેનુ યુનિવર્સિટી અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કર્મચારી ભાઈઓ અને બહેનો માટે સ્ટાફ ટુર્નામેન્ટનું આયોજન તા. ૨૩ થી ૨૪ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમ્યાન આણંદ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્દ્ર દ્વારા બાવળીયા ગામે ખેડૂત શિબિર યોજાઈ
ટુર્નામેન્ટના ભાગરૂપે પુરુષો માટે ક્રિકેટ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ અને વોલીબોલ જેવી રમતો યોજાઈ હતી, જ્યારે મહિલા માટે બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતોત્સવનું ઉદ્દઘાટન તા. ૨૨/૦૨/૨૦૨૬ના રોજ ઓડિટોરીયમ હોલ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય, ખાતે ડૉ. કે.બી. કથીરીયા, કુલપતિના અધ્યક્ષસ્થાને થયું.
ઉદ્દઘાટન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડૉ. જે.કે. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક, ડૉ. જી.આર. પટેલ, કુલસચિવ, આણંદ કૃષિ યુનિવર્સિટી તથા ડૉ. એસ.આર.૫ટેલ, આચાર્ય અને વિદ્યાશાખાઘ્યક્ષ, બં.અ.કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી હાજર રહ્યા હતા. કુલપતિએ ઉદ્દઘાટન કાર્યક્રમ દરમ્યાન તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ટુર્નામેન્ટ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારંભ તા.૨૪/૦૨/૨૦૨૬ના રોજ ઓડિટોરીયમ હોલ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય, ખાતે ડૉ. કે.બી. કથીરીયા, કુલપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અને વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતનું ગૌરવઃ આણંદની દીકરીએ છ નવી ગેલેક્સી શોધી કાઢી ભારતીય નામો આપ્યાં
આણંદ કૃષિ યુનિવર્સિટી વોલીબોલ (ભાઇઓ) માં ચેમ્પિયન અને બેડમિન્ટન (ભાઇઓ), ટેબલ ટેનિસ (ભાઇઓ), ટેબલ ટેનિસ (બહેનો) અને ચેસ (ભાઇઓ) માં રનર્સ-અપ થઈ હતી. જ્યારે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ક્રિકેટ (ભાઇઓ), બેડમિન્ટન (ભાઇઓ) અને ચેસ (ભાઇઓ) માં ચેમ્પિયન અને વોલીબોલ (ભાઇઓ) માં રનર્સ-અપ થઈ. નવસારી કૃષિ યુનિવર્સિટી બેડમિન્ટન (બહેનો) અને ટેબલ ટેનિસ (બહેનો) માં ચેમ્પિયન તેમજ ક્રિકેટ (ભાઇઓ) માં રનર્સ-અપ થઈ હતી.. કામધેનુ યુનિવર્સિટી ટેબલ ટેનિસ (ભાઇઓ) માં ચેમ્પિયન અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની ટીમ બેડમિન્ટન (બહેનો) માં રનર્સ-અપ રહી હતી.
આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ડૉ. કે.બી. કથીરીયા, કુલપતિના માર્ગદર્શન હેઠળ ડૉ. દિનેશ.એચ. પટેલ, નિયામક, વિદ્યાર્થી કલ્યાણ, આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું.


