અનંત અંબાણીને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ એનાયત
- આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર અનંત અંબાણી સૌથી યુવા અને પ્રથમ એશિયન
વોશિંગ્ટન, ડીસી, 9 ડિસેમ્બર 2025: Anant Ambani awarded Global Humanitarian Award વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર ‘વનતારા’ના સ્થાપક અનંત અંબાણીને પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડ પ્રાપ્ત થયો છે. અમેરિકન હ્યુમન સોસાયટીની ગ્લોબલ હ્યુમન સોસાયટીએ આ એવોર્ડ એનાયત કર્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર અનંત અંબાણી અત્યાર સુધીના સૌથી યુવાન અને પ્રથમ એશિયન છે. આ એવોર્ડ તેમને વન્યજીવન સંરક્ષણ અને પ્રાણી કલ્યાણ માટે પ્રતિબદ્ધ આગેવાનોને એક મંચ પર સાથે લાવનાર એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો હતો.
પ્રાણી કલ્યાણ અને તેમના સંરક્ષણના ક્ષેત્રમાં વિશ્વભરમાં સૌથી અગ્રણી વૈશ્વિક સન્માનોમાંનો એક ગણાતો આ એવોર્ડ શ્રી અંબાણીના વાસ્તવિક પુરાવા આધારિત કલ્યાણ કાર્યક્રમો, વિજ્ઞાન આધારિત સંરક્ષણની પહેલો અને વિશ્વભરમાં વિલુપ્તીની આરે પહોંચેલી પ્રજાતિઓના રક્ષણ માટેના સતત પ્રયાસોમાં તેમની કામગીરીને બિરદાવે છે. આ એવોર્ડ એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જેમની આજીવન પ્રતિબદ્ધતાએ પ્રાણીઓ અને લોકો બંને માટે પરિવર્તનકારી વૈશ્વિક અસર ઊભી કરી છે.

આ પ્રસંગે ગ્લોબલ હ્યુમન સોસાયટીના પ્રમુખ અને સીઇઓ ડૉ. રોબિન ગાન્ઝર્ટે જણાવ્યું હતું કે, વનતારાને “ગ્લોબલ હ્યુમેન સર્ટિફાઇડ™નું સન્માન મળવું એ દરેક પ્રાણીને ગૌરવ, ઉપચાર અને જીવવાની આશા આપવા પ્રત્યેના ઊંડા સમર્પણનું સન્માન છે. અને આ દૃષ્ટિકોણમાં શ્રી અનંત અંબાણીએ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમની નેતાગીરીએ આ કાર્યમાં કરુણા માટે એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે.”
એવોર્ડ મળવાના પ્રતિભાવમાં વનતારાના સ્થાપક શ્રી અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, “હું આ સન્માન માટે ગ્લોબલ હ્યુમન સોસાયટીનો આભાર માનું છું. મારા માટે એક શાશ્વત સિદ્ધાંત — સર્વ ભૂતા હિતા એટલે કે, તમામ જીવોનું કલ્યાણ —ને મારું કાર્ય પુનઃ સમર્થન આપે છે. “પ્રાણીઓ આપણને સંતુલન, નમ્રતા અને વિશ્વાસ શીખવે છે. વનતારા થકી અમારો ઉદ્દેશ્ય છે કે સેવા ભાવનાથી માર્ગદર્શન મેળવીને, દરેક જીવને ગૌરવ, સંભાળ અને આશા પ્રદાન કરીએ. સંરક્ષણની કામગીરી માત્ર આવતીકાલ માટે નથી પરંતુ તે એક સહિયારો ધર્મ છે જેનું આપણે આજે જ પાલન કરવું જોઈએ.”

અગાઉનાં વર્ષોમાં આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર મહાનુભાવોમાં શર્લી મેકલેન, જ્હોન વેઇન અને બેટી વ્હાઇટ જેવી હોલીવુડની દંતકથા સમાન હસ્તીઓ, તેમજ અમેરિકી પ્રમુખો જ્હોન એફ. કેનેડી અને બિલ ક્લિન્ટન જેવા અગ્રણી રાજકીય નેતાઓ અને પ્રાણીઓ માટેના વૈશ્વિક ચેમ્પિયનોનો સમાવેશ થાય છે, જેમનો પ્રભાવ સરહદોથી પર રહ્યો છે.
વર્ષ 1877માં સ્થપાયેલી અમેરિકન હ્યુમેન સોસાયટી લગભગ 150 વર્ષથી પશુ કલ્યાણ માટે સમર્પિત છે અને હ્યુમેન મૂવમેન્ટમાં આવનારી લગભગ દરેક મોટી પ્રગતિમાં મોખરે રહી છે.


