કાગવડ, 21 જાન્યુઆરી, 2026 – Anar Patel Kagwad Khodaldham ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલની ખોડલધામ સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ખોડલધામ ખાતે યોજાયેલી ‘કન્વીનર મીટ ૨૦૨૬’ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે, અનાર પટેલ ખોડલધામની સંગઠનાત્મક બાબતો અને પ્રવૃત્તિઓની દેખરેખ અને સંચાલન કરશે.
મહિલા સશક્તિકરણનો સંદેશ
નરેશ પટેલે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ખોડલધામ સંસ્થામાં મહિલાઓની ભાગીદારી વધે અને સંગઠન વધુ મજબૂત બને તે હેતુથી અનાર પટેલને આ જવાબદારી સોંપવામાં આવી છે.
કોણ છે અનાર પટેલ
અનાર પટેલ લાંબા સમયથી સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. તેઓ ‘ગ્રામશ્રી’ અને ‘ક્રાફ્ટરૂટ્સ’ જેવી સંસ્થાઓ દ્વારા ગ્રામીણ કલાકારો અને મહિલાઓના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે. તેમના આ વહીવટી અને સામાજિક અનુભવનો લાભ હવે ખોડલધામ સંગઠનને મળશે. તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી છે.
અત્યાર સુધી ખોડલધામમાં મુખ્યત્વે ટ્રસ્ટી મંડળ નિર્ણયો લેતું હતું, પરંતુ હવે ‘સંગઠન’ (Organization) ના પ્રમુખ તરીકે અનાર પટેલ સમગ્ર ગુજરાત અને બહાર ફેલાયેલા ખોડલધામના સ્વયંસેવકો અને કન્વીનરોનું નેતૃત્વ કરશે.
કાગવડ (ખોડલધામ) ખાતે યોજાયેલી આ બેઠકમાં હજારોની સંખ્યામાં કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વર્ષોના સામાજિક કાર્યો અને સંગઠન વિસ્તરણની રૂપરેખા તૈયાર કરવાનો હતો.


