
પાકિસ્તાનમાં વધુ એક ભારત વિરોધી આતંકવાદી શાહિદ લતીફની અજાણ્યા શખ્સોએ હત્યા કરી
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. શાહિદ લતીફ પઠાણકોટ હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં તેની ગોળીમારીને હત્યા કરી હતી. એનઆઈએ યુએપીએ હેઠળ શાહિદની સામે ગુનો નોંધ્યો હતો. તેમજ ભારતની સરકારની મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની લીસ્ટમાં તેનો પણ સમાવેશ થાય છે.
પંજાબના પઠાણકોટ સ્થિત એરબેઝ ઉપર વર્ષ 2016માં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદએ સ્વિકારી હતી. આ હુમલામાં ભારતીય સેનાના સાત જવાન શહીદ થયાં હતા. પઠાણકોટ એરફોર્સ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં હથિયારો રાખવામાં આવે છે. યુદ્ધની સ્થિતિમાં અહીં જ પુરી રણનીતિ તૈયાર કરવામાં આવે છે. વર્ષ 1965 અને 1971ના યુદ્ધમાં આ એરફોર્સની મહત્વની ભૂમિકા રહી છે. મિગ-21 યુદ્ધ વિમાનો માટે આ મહત્વનું બેઝ સ્ટેશન છે.
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં રહેતા બશીર અહમદ પીર ઉર્ફે ઇમ્તિયાઝ આલમની રાવલપીંડિમાં ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. હિઝબુલ મુઝાહિદ્દીના લોન્ચિંગ કમાન્ડર બશીરની રાવલપીંડિમાં હત્યા થઈ હતી. ગયા વર્ષે જ ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો હતો. બશિર રાવલપીંડિમાં બેઠા-બેઠા જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરનારા આતંકવાદીઓને હથિયારો સહિતની સુવિધાઓ પુરી પાડતો હતો. આ ઉપરાંત કુખ્યાત આતંકવાદી હાફિઝ સઇદના પુત્રનું પણ તાજેતરમાં જ અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું. જે બાદ ગણતરીના દિવસોમાં જ તેની સળગેલી લાશ મળી આવી હતી.