Site icon Revoi.in

ભારતની વધુ એક ડિજીટલ સ્ટ્રાઈકઃ ‘બલુચિસ્તાન ટાઇમ્સ’ અને ‘બલુચિસ્તાન પોસ્ટ’ના એકાઉન્ટ્સ પર લાગ્યો પ્રતિબંધ

Social Share

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનના વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે વધુ એક કડક પગલું ભર્યું છે અને દેશમાં બે ન્યૂઝ પોર્ટલ ‘બલુચિસ્તાન ટાઇમ્સ’ અને ‘બલુચિસ્તાન પોસ્ટ’ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x હેન્ડલ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કાર્યવાહી કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે અપનાવેલા આક્રમક વલણનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર કાર્યવાહીના ભાગ રૂપે અગાઉ ભારતે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારી, ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના એકાઉન્ટ્સ બ્લોક કર્યા હતા. ખ્વાજા આસિફ ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપવા અને પરમાણુ હુમલાની ધમકી આપવા બદલ ચર્ચામાં હતા.

આ ઉપરાંત, કેન્દ્ર સરકારે પાકિસ્તાનની ઘણી મોટી યુટ્યુબ ચેનલો, જેમ કે ડોન ન્યૂઝ, ARY ન્યૂઝ, બોલ ન્યૂઝ, જીઓ ન્યૂઝ, સમા સ્પોર્ટ્સ, ઇર્શાદ ભટ્ટી, જીએનએન અને ક્રિકેટર શોએબ અખ્તરની ચેનલ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આ પગલાં ભારતની સુરક્ષા અને સાર્વભૌમત્વને મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા પગલાંનો એક ભાગ છે. સરકારનું કહેવું છે કે, પાકિસ્તાનમાંથી નીકળતી આતંકવાદી પ્રવૃત્તિઓ અને ભારત વિરોધી પ્રચાર દેશની એકતા અને અખંડિતતા માટે ખતરો છે. બલુચિસ્તાન ટાઈમ્સ અને બલુચિસ્તાન પોસ્ટ જેવા પ્લેટફોર્મ પર ભારત વિરોધી સામગ્રીને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પર આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને ઘેરવાની રણનીતિ પણ અપનાવી છે. ભારતની આ કાર્યવાહી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપે છે કે, આતંકવાદ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓને સહન કરવામાં આવશે નહીં. 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફોર્સ’ (TRF) દ્વારા લેવામાં આવી હતી, જે પ્રતિબંધિત પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલી હતી, જોકે પાછળથી તેણે તેની સંડોવણીનો ઇનકાર કર્યો હતો. તે જ સમયે, આ હુમલા પછી ભારતે રાજદ્વારી અને વ્યૂહાત્મક સ્તરે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે. જેમાં 1960ની સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવી, અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ બંધ કરવી અને પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓને સસ્પેન્ડ કરવી શામેલ છે.