ભુજની અંતરા ભટ્ટને બ્રહ્મ નારીશક્તિ સન્માન-ર૬નું બિરૂદ એનાયત
- અંજાર રાધે રીસોર્ટ મધ્યે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ કચ્છ જિલ્લા મહિલા મંડળ- પૂર્વ કચ્છ અને શ્રી અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા મહિલા દિવસ નિમિત્તે યોજાયો વિશિષ્ટ કાર્યક્રમ
ગાંધીધામ, 23 માર્ચ, 2026: કચ્છ જિલ્લાના ભુજની નાની કલાકાર અંતરા આનંદકુમાર ભટ્ટે પોતાની અદભુત કલા અને મહેનત દ્વારા બ્રહ્મનારીશકિત સન્માન-ર૦ર૬નુ બિરુદ પ્રાપ્ત કરી અને સમગ્ર સ્વ.રસિકલાલ ભટ્ટ પરિવાર, એરફોર્સ સ્કુલ ભુજ, તથા બ્રહ્માસમાજ અને કચ્છ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપેશ્રી સમસ્ત બ્રહ્મસમાજ કચ્છ જિલ્લા મહિલા મંડળ તથા પૂર્વ કચ્છ અને શ્રી અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા નારીશકિતના ઉત્તમ આદર્શોને ચરીતાર્થ કરી અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ બની રહે તે માટે વિવિધ ક્ષેત્રોમાં રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાએ હિર ઝળકાવનાર મહિલાઓના વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભુજની ૧૧ વર્ષીય બાળ કલાકાર અંતરા આનંદકુમાર ભટ્ટ કે જે શાસ્ત્રીય નૃત્ય અને શાસ્ત્રીય કંઠય ગાયનમાં અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી ચૂકી છે તેને બ્રહ્મનારી શકિત એવોર્ડનું વિશિષ્ટ સન્માન આપી સમાજના મોભીઓના હસ્તે નવાજવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પરંપરાગત ગીતો અને પ્રેમકથા વગર પણ ધુરંધર-2 સુપરહિટ! બદલાતા સિનેમાની નવી દિશા
નોધનીય છે કે, અંતરા ભરત નાટ્યમ્ ક્ષેત્રમાં પુના, ગાંધીનગર, અયોધ્યા મધ્યે યોજાતા રાષ્ટ્રીય ઉત્સવોમાં વિવિધ કેટેગરીમાં ભાગ લઈ અને પ્રથમ નંબર હાંસલ કરી અને ૧૧ જેટલા નેશનલ એવોર્ડ મેળવી ચૂકી છે. આ સ્પર્ધાઓમાંથી બે વખત અંતરાને દુબઈ અને મલેશિયામાં ભારતનુ પ્રતિનિધિત્વ કરવાનું પણ આમંત્રણ મળવા પામી ચૂક્યું છે. જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં પણ અંતરા નૃત્યમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી ચૂકી છે.
પણ વાત અહી અટકતી નથી. અંતરાનો કંઠ પણ એટલો જ મધુર છે. સોની ટીવીના વિખ્યાત રીયાલીટી શો સુપર સ્ટાર સિઝન થ્રીના જજીસ રાઉન્ડ સુધી પહોંચી તેણે પોતાની ગાયકીનો પરચમ પણ રાષ્ટ્રીયકક્ષાએ ઝળકાવ્યો છે. તો વળી શાસ્ત્રીય ગાયન ક્ષેત્રે પોતાના મધુર કંઠથી સૌને પ્રભાવિત કરી અને ભુજ-માંડવી-ગાંધીધામ સહિતમાં યોજાયેલી જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં પ્રથમ હરોળમાં વિજેતા થતી રહી છે.
શાળાકીય સ્પર્ધાઓમાં લગ્ન ગીતમાં અંતરા સતત ચાર વર્ષ સુધી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી અને એક વખત ઝોન કક્ષાએ અને એક વખત નવસારી રાજયકક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરી અને જિલ્લાના કલાક્ષેત્રના ગૌરવની મેરપીંછમાં ઉમેરા કરતી રહી છે. સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત અખિલ કચ્છ સંસ્કૃત ગાયન સ્પર્ધામાં પણ અંતરા શંકર મહાદેવનની એકદંતાય વક્રતુંડાયની કઠીન કૃતિની રજૂઆત કરી અને શ્રેતાઓને તથા જજીસને મંત્રમુગ્ધ કરી પ્રથમ નંબર હાંસલ કરેલો છે.
આ પણ વાંચોઃ નેશનલ હાઈવે પરના ટોલબુથ પર 1લી એપ્રિલથી રોકડ ચૂકવણી બંધ
અંતરાએ પોતાની અદભુત કલા દ્વારા સ્વ. રસિકલાલ માર્કંડરાય ભટ્ટ-હરિપ્રસાદ જે પંડ્યા પરિવાર, સમસ્ત બ્રહ્મસમાજ તથા કચ્છ જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે ગોરવવંતુ કર્યું હોવાથી તેને ખરા અર્થમાં બ્રહ્મતેજસ્વીની પ્રતિભા તરીકે બિરદાવવામાં આવી હતી. અંજાર મધ્યેનો કાર્યક્રમ શ્રી અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી રચનાબેન એચ જોષીની સમગ્ર ટીમ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.


