વડાપ્રધાન સાથે બુધવારે લોકસભામાં કંઈપણ થઈ શકતઃ અધ્યક્ષ ઓમ બિરલાનો ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી, 2026 – Speaker Om Birla’s shocking revelation – વડાપ્રધાન સાથે બુધવારે લોકસભામાં કંઈપણ થઈ શકત તેવો ચોંકાવનારો ખુલાસો અધ્યક્ષ ઓમ બિરલાએ કર્યો છે. રાષ્ટ્રપતિના સંયુક્ત સત્રને સંબોધન અંગેના આભાર પ્રસ્તાવ ઉપર બે દિવસની ચર્ચા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે બુધવારે સાંજે તેમનો જવાબ આપવાના હતા. જોકે, વિપક્ષી સાંસદોએ અને ખાસ કરીને વિપક્ષી મહિલા સાંસદો વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચી ગઈ હતી. એ સ્થિતિ જોઈને લોકસભા અધ્યક્ષે પોતે વડાપ્રધાનને ગૃહમાં ન આવવા વિનંતી કરી હતી.
શું કહ્યું ઓમ બિરલાએ?
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે, ગઈકાલે ગૃહમાં કંઈકપણ ઘટના બની શકત. બધાએ જોયું કે કેવી રીતે વિપક્ષી સાંસદોએ વડાપ્રધાનની ખુરશી સુધી જવાનો પ્રયાસ કર્યો હતો. મને જાણકારી મળી હતી કે કોઈ અપ્રિય ઘટના બની શકે છે. આવું ન થાય તે સુનિશ્ચિત કરવા મેં વડાપ્રધાનને ગૃહમાં ન આવવા વિનંતી કરી હતી.
લોકસભા અધ્યક્ષે જણાવ્યું કે, કેટલાક વિપક્ષી સાંસદો જે રીતે વર્તન કરી રહ્યા હતા તેવું મેં આજ સુધી જોયું નથી. આ ઘટના લોકશાહી ઉપર કાળા ધબ્બા સમાન છે. મારી પાસે વિશ્વાસપાત્ર માહિતી હતી કે કોંગ્રેસના કેટલાક સાંસદો ગૃહના નેતા (વડાપ્રધાન)ની ખુરશી સુધી પહોંચી શકે છે. આને કારણે કોઈપણ અપ્રિય ઘટના બની શકે તેમ હતી. જો એવું થયું હોત તો દેશની લોકતાંત્રિક પરંપરા માટે એ શરમજનક બની રહેત.
કોણ કોણ પહોંચ્યું હતું પીએમની ખુરશી સુધી?
ગઈકાલે બુધવારે સાંજે વડાપ્રધાન તેમનું વક્તવ્ય આપે તે પહેલાં આર સુધા, જ્યોતિમણિ, વર્ષા ગાયકવાડ, ગેનીબેન ઠાકોર, કે. કાવ્યા અને શોભા બચ્છાવ વગેરે વિપક્ષી મહિલા સાંસદો ગૃહના નેતાની ખુરશી સુધી પહોંચી ગયા હતા.


