Site icon Revoi.in

ઠાકોર-કોળી વિકાસ નિગમ દ્વારા લોન માટે 7/12માં બોજો મુકવા સામે વિરોધ

Social Share

ગાંધીનગર, 11 જાન્યુઆરી 2026:   ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા સમાજના યુવાનોને રોજગાર-ધંધા માટે લોન આપવામાં આવતી હોય છે. ત્યારે નિગમ દ્વારા લોન આપવાના નિયમોમાં ફેરફાર કરાતા તેની સામે ભારે વિરોધ ઉઠ્યો છે. નવા નિયમ મુજબ હવે લોન માટે જમીનના 7/12 ઉતારામાં બોજો મૂકવાની જોગવાઈ કરાતા અનેક લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અગાઉના નિયમ મુજબ માત્ર ઘરની આકારણી પર બોજો મૂકવામાં આવતો હતો, જેના કારણે લોકો સરળતાથી લોન મેળવી શકતા હતાં.

કોળી- ઠાકોર નિગમના નવા નિયમમાં પ્રોપર્ટીકાર્ડ અને 7/12 ઉતારામાં લોન લેનારના નામ હોવાની શરત મૂકવામાં આવતા જમીન કે મિલકત સંયુક્ત નામે હોય તેવા લોકો માટે લોન મેળવવી મુશ્કેલ બની છે. અનેક પરિવારોમાં જમીન પૂર્વજો કે પરિવારના અન્ય સભ્યોના નામે હોવાથી લાભાર્થીના નામે 7/12 ન હોવાના કારણે લોન પ્રક્રિયા અટવાઈ રહી છે. આ મુદ્દે ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખ અને મહીસાગર જિલ્લાના રાજેન્દ્રસિંહ ઠાકોરના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રમણભાઈ સોલંકી તથા ઠાકોર સમાજના નેતા સ્વરૂપજી ઠાકોરને મળીને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જૂના નિયમ પ્રમાણે ઘરની આકારણી આધારિત બોજો યથાવત રાખવાની માંગ કરવામાં આવી છે.

રાજેન્દ્રસિંહ ઠાકોરે ચીમકી ઉચ્ચારી કે, જો આગામી 10 દિવસમાં નિગમ દ્વારા આ મુદ્દે હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.

Exit mobile version