
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા કુલપતિની પસંદગી માટે સર્ચ કમિટી બનાવવામાં આવી છે. પણ કમિટીએ હજુ ભલામણ કરી ન હોવાથી આખરે યુનિ.માં ઈન્ચાર્જ કુલપતિની નિમણૂંક કરવામાં આવી છે. ઈન્ચાર્જ કુલપતિ તરીકે ડો. ગીરીશ ભીમાણીની નિયુક્તિ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પૂરી થતા ઇન્ચાર્જ કુલપતિ તરીકે સાયન્સ ફેકલ્ટીના ડીન ડો.ગીરીશ ભીમાણીની નિમણૂક કરવામાં આવી છે. જ્યાં સુધી કાયમી કુલપતિની નિમણૂક ન થાય ત્યાં સુધી ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડો.ગીરીશ ભીમાણી કુલપતિની જવાબદારી નિભાવશે. સર્ચ કમિટીની બેઠક ન મળતા ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરાઈ છે.
ડો. ગિરીશ ભીમાણી હાલમાં સાયન્સ ફેકલ્ટીના ડીન છે સાથે આંકડાશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ છે. તેમજ છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ભાજપના સિનિયર સિન્ડિકેટ સભ્ય તરીકે કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અધ્યાપકની ભરતીમાં વોટ્સએપ ગ્રુપમાં થયેલી ભલામણ કાંડમાં ડો.ગિરીશ ભીમાણી દ્વારા બે વ્યક્તિની ભલામણ કરવામાં આવતા વિવાદ ઊભો થયો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ તરીકે ડો. ગીરીશ ભીમાણીની નિમણૂંક થતા કુલપતિ ડો. નીતિન પેથાણીએ ઈન્ચાર્જ કુલપતિને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ પણ ભીમાણીને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
છેલ્લા લાંબા સમયથી સિન્ડિકેટમાં રહેલા સભ્યોના નામની વાત કરવામાં આવે તો તેમાં 6 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં 4 સભ્યો ભાજપ અને 2 સભ્યો કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ગિરીશ ભીમાણી આશરે 15 વર્ષથી, ભાવિન કોઠારી આશરે 15 વર્ષથી, મેહુલ રૂપાણી આશરે 12 વર્ષથી, નેહલ શુક્લ આશરે 12 વર્ષથી, ધરમ કાંબલિયા આશરે 9 વર્ષથી અને હરદેવસિંહ જાડેજા આશરે 9 વર્ષથી સિન્ડિકેટ સભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. ધરમ કાંબલીયા અને હરદેવસિંહ જાડેજા કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે