સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અધિકારીઓની મનમાનીથી પ્રવાસીઓ પરેશાનઃ ભાજપના સાંસદે કર્યો આક્ષેપ
ભરૂચઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે નિયમોના બહાને અધિકારીઓ મનમાની અને દાદાગીરી કરી રહ્યાં હોવાથી ટુરિસ્ટ પરેશાન થતાં હોવાની ફરિયાદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કરી છે. તેમણે કહ્યું હતું કે જો આવી મનમાની દૂર નહીં થાય તો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધી ફરિયાદ કરીશ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે સરકારના અધિકારીઓની મનમાનીથી પ્રવાસીઓ પણ પરેશાન થઈ રહ્યાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે. આ સ્થળનો પ્રવાસન તરીકે સારોએવો વિકાસ થયા બાદ હવે દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સરકારના કેટલાક અધિકારીઓની નીતિરીતિ અને સ્વયં બનાવેલા નિયમોથી પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. આથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે આવતા પ્રવાસીઓની સંખ્યા ઘટી જશે તેવી દહેશત વ્યકત કરી મનસુખ વસાવાએ કહ્યું હતું કે પ્રવાસીઓને પરેશાન કરવામાં સત્તામંડળના અધિકારીઓ જવાબદાર છે. કડક નિયમોથી તેમણે એવું માળખું બનાવ્યું છે કે જેના કારણે ફરવા માટે આવનારા વ્યકિત અને પરિવાર પરેશાન થઇ જાય છે.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાત કિલોમીટર દૂર કેવડિયા ગામ પાસે જ્યાં એકતા દ્વાર છે ત્યાં વાહનો પાર્કિગ કરાવી પ્રવાસીઓને આગળ જવા દેવામાં આવતા નથી તેવી ફરિયાદ મળી છે. નર્મદા માતાની પ્રતિમા સામેના પાર્કિગમાં વાહન મૂકીને તેમને ફરજીયાત પ્રવાસી બસમાં જવું પડે છે. અધિકારીઓની ઇચ્છા થાય ત્યાં ગાડીઓનું પાર્કિગ કરાવે છે. જો અધિકારીઓ નહીં સુધરે તો હવે વડાપ્રધાન અને તેમના કાર્યાલયમાં રજૂઆત કરીશ