
શું હિંદુ યુવાઓને ટાર્ગેટ કરવામાં આવે છે? પહેલા ગુજરાતમાં અને હવે કર્ણાટકમાં હત્યા
નવી દિલ્હીઃ ગુજરાતમાં સોશિયલ મીડિયા ઉપર ધાર્મિક મુદ્દે પોસ્ટ કરનારા હિન્દુ યુવાન કિશન ભરવાડની સરાજાહેર ગોળીમારીને હત્યા કરવાની ઘટના હજુ ભુલાઈ નથી.ત્યાં હવે કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે બજરંગદળના યુવાનની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આમ કટ્ટરપંથીઓ હિન્દુ યુવાનોને નિશાન બનાવી રહ્યાં હોવાનું હિન્દુ સંગઠનો માની રહ્યાં છે. જેથી આવા કટ્ટરપંથીઓને ઝડપી લઈને આકરી સજા કરવાની માંગણી કરી છે. અગાઉ કેરલમાં પણ હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા યુવાનોની ઘટના પ્રકાશમાં આવી હતી. હવે ગુજરાત બાદ કર્ણાટકમાં હિન્દુ કાર્યકરની ઘાતકી હત્યા કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત પડવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકના શિમોગામાં એક 23 વર્ષના બજરંગદળના કાર્યકરની હત્યા કરવામાં આવી છે. તિક્ષણ હથિયારના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવ ઉભો થયો છે. દરમિયાન મંત્રી ઈશ્વરપ્પાએ કહ્યું હતું કે, વિશેષ ધર્મ સમુદાયના લોકોએ આ હત્યા કરી છે. તેમજ કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારના ભડકાવવા ઉપર હત્યા થઈ હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો. કર્ણાટકના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, હત્યામાં 3-4 લોકો સામેલ હોવાની શકયતા છે. હત્યા બાદ હિંસાના કેટલાક બનાવો પણ સામે આવ્યાં છે. કેટલાક સ્થળો ઉપર પથ્થરમારો અને આગચંપીના બનાવો બન્યાં છે. જો કે, ગૃહમંત્રીએ હિજાબ વિવાદ મુદ્દે હત્યા થયાનો ઈન્કાર કર્યો છે. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં તાજેતરમાં કિશન ભરવાડ નામના હિન્દુ કાર્યકરની ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં એક મૌલવી સહિતના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. કિશને સોશિયલ મીડિયા ઉપર એક ધર્મને લઈને પોસ્ટ કરી હતી. જેથી વિવાદ થતા તેને પોસ્ટ હટાવી લીધી હતી. તેમજ માફી માંગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં બંને પક્ષે સમાધાન થયું હતું. જો કે, કટ્ટરપંથીઓએ તેની હત્યાનું કાવતરુ રચીને ગોળીમારીને કિશનની હત્યા કરી હતી. હવે કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે બજરંગ દળના કાર્યકરની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. આમ ચોક્કસ ધર્મના લોકો હિન્દુ યુવાનોને ટાર્ગેટ કરી રહ્યાં હોવાનું હિન્દુ સંગઠનો માની રહ્યાં છે.