
જમ્મુ-કાશ્મીરમાં આર્મીનું આતંકવાદ વિરુદ્ધ અભિયાનઃ હથિયારોનો જથ્થો ઝડપાયો
દિલ્હીઃ ભારતમાંથી આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકાર તથા ભારતીય આર્મી દ્વારા કવાયત શરૂ કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ડામવા માટે ભારતીય સેના દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન જંગલમાંથી હથિયારોનો સામાન મળી આવતા ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા.
રક્ષા વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના જંગલમાંથી એકે-47, કારતુસ, સેલ્ફ લોડિંગ રાઈફલ, 303 બોરની રાઈફલ, ચાઈનીઝ બનાવટની બે પિસ્તોલ, મેગેજીન મળી આવ્યાં હતા. સેના અને પોલીસ દ્વારા મુકખીધર જંગલમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે. જમ્મુ વિસ્તારમાં પીર પંજાલ રેન્જના દક્ષિણમાં શાંતિ અને વિકાસની પ્રક્રિયામાં અડચણ ઉભી કરવાના પ્રયાસને પોલીસ અને આર્મીએ નિષ્ફળ બનાવ્યું છે. માહિતીના આધારે આર્મી અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સીમા પારથી તસ્કરી કરીને લાવવામાં આવેલા હથિયારો મળી આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીર SOGના 7 અધિકારીઓ અને વિશેષ પોલીસ અધિકારી ઘાટીમાં નવા આતંકવાદી સંગઠનની રડાર પર છે જેને લઈ ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષાસંબંધી ચેતવણી આપેલી છે. કાશ્મીર લિબરેશન વોરિયર્સ નામના એક નવા આતંકવાદી સંગઠને જમ્મુ કાશ્મીર પોલીસને ઉદ્દેશીને ધમકીભર્યો પત્ર ‘શહીદ નાઈકૂ મીડિયા ગ્રુપ’માં પોસ્ટ કર્યો હતો.