સુરેન્દ્રનગર, 28 જાન્યુઆરી 2026: જિલ્લાનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. આ રણ વિસ્તારમાં ભરાયેલા પાણીમાં વિદેશી પક્ષીઓનું આગમનથયુ છે. 152 જાતના પક્ષીઓના કલરવથી રણ વિસ્તાર ગુંજી ઊઠ્યો છે. કચ્છના નાના રણમાં સાનુકૂળ હવામાન, પૂરતો ખોરાક અને સલામત વસવાટના કારણે વિદેશીપક્ષીઓ ચાર મહિના જેટલો વસવાટ કરશે.
શિયાળાની ઋતુ જામતા કચ્છના નાના રણ તેમજ ધ્રાંગધ્રાના રણકાંઠા વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થયું છે. યુરોપ સહિતના દેશોમાં પડતી કડકડતી ઠંડી અને બરફવર્ષાના કારણે હજારો કિલોમીટરનું અંતર કાપીને વિદેશી પક્ષીઓએ કચ્છના રણમાં મુકામ કર્યો છે. અંદાજે 4953 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું કચ્છનું નાનું રણ શિયાળામાં પક્ષીપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન બની જાય છે. હાલ ફ્લેમિંગો, સ્પૂન બિલ, કુંજ, ટિલોર, પેરિગ્રીન ફાલ્કન, રણ ચકલી, નાઈટ જાર સહિતના અનેક દુર્લભ સહિત 152 જેટલાં આકર્ષક પક્ષીઓ જોવા મળે છે. અનુકૂળ હવામાન, પૂરતો ખોરાક અને સલામત વસવાટના કારણે આ પક્ષીઓ ચાર મહિના રોકાશે. વિદેશી પક્ષીઓના આગમનથી રાજ્ય તેમજ દેશ-વિદેશમાંથી પર્યટકોની મોટી ભીડ ઉમટી રહી છે અને પક્ષી દર્શન ખાસ આકર્ષણ બન્યું છે.
કચ્છના નાના રણમાં એશિયામાં કયાંય જોવા ન મળતા દુર્લભ ઘુડખર પ્રાણી જોવા મળે છે. છેલ્લે 2024માં હાથ ધરાયેલી ગણતરી મુજબ ઘુડખરોનીની વસ્તીમાં પાંચ વર્ષમાં 26 ટકા વધારો નોંધાઇને 7672એ પહોંચી હતી. આ વિસ્તારમાં ઘુડખર ઉપરાંત ઝરખ, વરૂ, રણલોંકડી, કાળીયાર, સસલા, ચિંકારા, નિલગાય, જંગલી ભૂંડ, ભારતીય શિયાળ સહીત 33 જાતના વન્ય પ્રાણીઓ પણ જોવા મળે છે.

