Site icon Revoi.in

ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉનાળાના પ્રારંભે જ કેસર કેરીનું આગમન

Social Share

રાજકોટઃ ઉનાળામાં ગરમીમાં વધારો થવાની સાથે જ ગોંડલના માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. યાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોકસની આવક સાથે કેરીની સિઝનનો પ્રારંભ થયો છે.  કેસર કેરીના 10 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 2500થી 3100 બોલાયો હતો. આ ઉપરાંત યાર્ડમાં રત્નાગીરી હાફુસની આવક પણ થઈ રહી છે. અને તેનો ભાવ 12 કિલો બોક્સનો ભાવ રૂપિયા 5500 બોલાયો હતો.

સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ શાકભાજી અને ફ્રુટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. ઉનાળાના પ્રારંભ સાથે જ ફળ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં કેસર કેરી અને રત્નાગીરીની હાફુસ કેરીનું આગમન થયું છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોકસની આવક સાથે કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. યાર્ડમાં ગીરગઢડા તાલુકાના નિતલી, ગીર કોઠારીયા અને સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી કેસર કેરીનું આગમન થયું છે. ત્યારે મીઠી મધુર કેસર કેરીના 22 બોકસની આવક થઈ છે. કેસર કેરીની હરાજીમાં કેરીના 10 કિલોના બોક્સ ભાવ રૂપિયા 2500/-થી લઈને ઉંચામાં 3100/- સુધીના બોલાયા છે. ત્યારે કેસર કેરી પકવતાં ખેડૂતોને આગામી દિવસોમાં સારા ભાવ મળશે તેવી આશા છે.

આ ઉપરાંત બે-ત્રણ દિવસથી યાર્ડમાં રત્નાગિરીની હાફુસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગિરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 5500/- બોલાયો છે. આ વર્ષે માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું 15 દિવસ વહેલુ આગમન થતા જ કેસર કેરીની સિઝનની શરૂઆતથી જ સ્વાદ પ્રેમીઓ માટે કેરીની સારી આવક જોવા મળી છે. સૌરાષ્ટ્રમાં કેરીનું પીઠુ ગણાતા માર્કેટ યાર્ડમાં આગામી સપ્તાહથી જ  કેરીની આવકમાં વધારો જોવા મળશે.