Site icon Revoi.in

દૂબઈમાં દીકરાના પાર્સલ મોકલવા જતા વૃદ્ધને છેતરીને ગઠિયાએ 1.90 લાખ પડાવ્યા

Social Share

 અમદાવાદ,15 માર્ચ 2026: Elderly man loses Rs 1.90 lakh while sending parcel to Dubai ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. હોટલ બુકિંગ કે અન્ય સેવા માટે ઓનલાઈન નંબર મેળવીને ટ્રાન્ઝેક્શન કરનારા ફસાતા હોય છે. ત્યારે અમદાવાદના વેજલપુરમાં આવો જ એક બનાવ બન્યો છે. દુબઇમાં રહેતા દીકરાને પાર્સલ મોકલવા જતા સિનિયર સિટિઝન સાયબર ઠગોના શિકાર બન્યા હતા. સિનિયર સિટિઝને ઓનલાઇન કુરિયર કંપનીનો નંબર મેળવી ફોન કર્યો હતો. જે બાદ અચાનક સિનિયર સિટિઝનના બેંક એકાઉન્ટમાંથી 1.90 લાખ ટ્રાન્સફર થઈ ગયા હતા. છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા સિનિયર સિટિઝને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા અને સિંચાઇ વિભાગમાંથી નિવૃત્ત થયેલા એક વૃદ્ધનો દીકરો દુબઇમાં રહે છે. દીકરાને કુરિયર મારફતે કરીયાણું મોકલવાનું હોવાથી વૃદ્ધે ગુગલ પર સર્ચ કરીને કુરિયર કંપનીનો નંબર મેળવ્યો હતો. આ નંબર પર સંપર્ક કરતા ફોન ઉપાડનાર શખસે પોતે સરખેજની કુરિયર કંપનીમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી. જે બાદ ગઠિયાએ કુરિયર બુકિંગ માટે માત્ર 5 રૂપિયાનું ઓનલાઇન ટોકન ભરવા જણાવ્યું હતું. જેથી વૃદ્ધે મોબાઇલ મારફતે 5 રૂપિયાનું પેમેન્ટ કરી દીધું હતું. ત્યારબાદ ગઠિયાએ તેમના ઘરે આવીને કુરિયર લઇ જવાની વાત કરી હતી. જોકે કોઈ પણ કુરિયર લેવા માટે તેમના ઘરે આવ્યું નહોતું. દરમિયાન ગઠિયાએ બે દિવસમાં 5 ટ્રાન્ઝેક્શન કરીને 1.90 લાખ ઉપાડી લીધા હતા, વૃદ્ધે 20 નવેમ્બરના રોજ પોતાના બેંક એકાઉન્ટમાં 2 લાખનો ચેક જમા કરાવ્યો હતો. ત્યારબાદ તેમના મોબાઇલ પર બેંકના ટ્રાન્ઝેક્શન સંબંધિત મેસેજ આવવાનું બંધ થઈ ગયું હતું. શંકા જતાં વૃદ્ધ બેંકમાં તપાસ કરવા પહોંચ્યા હતા. બેંકમાં તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. તેમના બેંક એકાઉન્ટમાંથી 23 અને 24 નવેમ્બરના બે દિવસ દરમિયાન કુલ પાંચ ટ્રાન્ઝેક્શન કરીને 1.90 લાખ ઉપાડી લેવાયા હોવાનું સામે આવ્યું હતું. જેથી વૃદ્ધે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version