
અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો, અમેરિકાએ ચીનને ખોટા દાવા બંધ કરવાનું કહી આપી ચેતવણી
વોશિંગ્ટન: ભારતનો અભિન્ન હિસ્સો છે અરુણાચલ પ્રદેશ, ચીન આંખ પણ ન ઉઠાવે. અમેરિકાએ ચીનને અરુણાચલ મામલે ઠપકો આપ્યો છે. અમેરિકાએ અરુણાચલ પ્રદેશ સીમાના મામલે ભારતનો સાથ આપતા ચીનને આકરી ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે અમે અરુણાચલ પ્રદેશના ભારતીય ક્ષેત્ર તરીકે માન્યતા આપીએ છીએ અને લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલના પેલે પારના હિસ્સાઓ પર ચીનના દાવાઓને ખોટો ઠેરવીએ છીએ.
અમેરિકાના બાઈડન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે ચીનના કોઈપણ એકતરફી પ્રયાસનો તેઓ દ્રઢતાથી વિરોધ કરે છે. ચીને તાજેતરમાં અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવ્યો હતો અને નરેન્દ્ર મોદીની રાજ્યની મુલાકાતની સામે વાંધો વ્યક્ત કર્યો હતો.
અમેરિકાના વિદેશ મંત્રાલયના મુખ્ય ઉપ-પ્રવક્તા વેદાંત પટેલે કહ્યુ છે કે અમેરિકા અરુણાચલ પ્રદેશને ભારતીય ક્ષેત્ર તરીકે માન્યતા આપે છે અને અમે સૈન્ય અથવા નાગરિક દ્વારા ઘૂસણખોરી અથવા અતિક્રમણનો પુરો વિરોધ કરીએ છીએ.
આ સપ્તાહની શરૂઆતમાં ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા સિનિયર કર્નલ ઝાંગ જિયાઓગાંગે કહ્યુ હતુ કે અરુણાચલ પ્રદેશ ચીનનો હિસ્સો છે અને બીજિંગ અરુણાચલ પ્રદેશને ક્યારેય સ્વીકરશે નહીં. આ નિવેદન પર અમેરિકાએ ચીનને ઠપકો આપ્યો છે.
ચીન, અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ તરીકે પોતાનો હિસ્સો ગણાવે છે અને આ દાવાઓ હેઠળ નિયમિતપણે ભારતીય નેતાઓના રાજ્યની મુલાકાતો પર વાંધો વ્યક્ત કરે છે. બીજિંગે આ ક્ષેત્રનું નામ જંગનાન પણ રાખ્યું છે.
મહત્વપૂર્ણ છે કે 9 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં 13 હજાર ફૂટની ઊંચાઈ પર બનેલી સેલા સુરંગને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ સુરંગ રણનીતિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ તવાંગને દરેક ઋતુમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે અને સીમાંત ક્ષેત્રમાં સૈનિકોના સારા આવાગમનને પણ સુનિશ્ચિત કરશે.