Site icon Revoi.in

રાજકોટની જેલમાં કેદ કરાયેલા ખેડૂતોને મળવા ન દેતા અરવિંદ કેજરિવાલે આક્રોશ વ્યક્ત કર્યો

Social Share

રાજકોટઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરિવાલ રાજકોટ શહેરની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. કેજરિવાલે રાજકોટની જેલમાં બંધ ખેડૂતો અને પાર્ટી નેતાઓને મળવાની મંજૂરી માગી હતી પણ જેલ અધિકારીએ મંજુરી ન આપતાં ગુજરાત ભાજપ સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, “હું શું આતંકવાદી છું? કેમ મને મારા જ ગુજરાતના ખેડૂતોને મળવા ન દેવામાં આવ્યો?” તેમણે ભાજપની સરકારને અંગ્રેજોના શાસન સાથે સરખાવીને કહ્યુ હતું કે. કડદાપ્રથા વિરુદ્ધ લાઠીચાર્જમાં 88માંથી માત્ર 42 ખેડૂતોને જામીન મળ્યા અને જેલમાં પહેલા 24 કલાક પાણી પણ ન આપ્યું એવા આક્ષેપો પણ કર્યા.

રાજકોટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે “ગુજરાતની ભાજપ સરકાર તાનાશાહીનું જીવંત ઉદાહરણ છે. મને જેલમાં બંધ ગુજરાતના જ ખેડૂતો અને પાર્ટીના નેતાઓને મળવા જવા દેવામાં આવ્યો નથી. હું શું આતંકવાદી છું? કેમ મને મળવા જવા ન દેવામાં આવ્યો?” કેજરીવાલે આગળ જણાવ્યું કે “આ ખેડૂતો ગુજરાતના જ છે, જેમણે પોતાના હક માટે આંદોલન કર્યું છે અને તેમને મળવા જવું એ મારો અધિકાર છે, પરંતુ સરકારે એ પણ છીનવી લીધો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  લોકસભામાં વંદે માતરમ્ ગીત પર ચર્ચા ચાલી રહી છે, પરંતુ દેશમાં ઘણી મોટી સમસ્યાઓ છે, જેના પર વાત થવી જોઈએ, જેમ કે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ રદ થવાને કારણે થયેલો હોબાળો, જ્યાં હજારો મુસાફરો અટવાયા છે અને સરકાર ઘૂંટણિયે પડી છે. આ 21મી સદીના ભારતમાં એરલાઈન્સનો હોબાળો આખું વિશ્વ જુએ છે.

ગુજરાતની ભાજપ સરકાર પર આકરો પ્રહાર કરતાં કેજરીવાલે કહ્યું હતું કે “અંગ્રેજોના સમયમાં ભગત સિંહ જેલમાં હતા ત્યારે પણ તેમના સાથીદારોને મળવા દેવામાં આવતા હતા, પરંતુ ગુજરાતમાં ભાજપ સરકાર અંગ્રેજો કરતાં પણ વધુ તાનાશાહી બની ગઈ છે. મને મારા જ ગુજરાતના ખેડૂતોને જેલમાં મળવા નથી દેવામાં આવી રહ્યો.” કેજરીવાલે આ નિવેદનથી ભાજપ સરકારને સીધી રીતે અંગ્રેજી શાસન સાથે સરખાવીને મોટો રાજકીય વિવાદ ઊભો કર્યો છે.

Exit mobile version