
ધો.10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાં જ હવે પ્રાથમિક અને માધ્યમિક શાળાની પરીક્ષાનો પ્રારંભ થશે
રાજકોટઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પરીક્ષાનો પ્રારંભ થશે.જેમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ આગામી તા. 3જી એપ્રિલને સોમવારથી થશે. રાજકોટ જિલ્લામાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જે પરીક્ષા 20 એપ્રિલ સુધી ચાલશે.
રાજકોટના ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, આગામી 3જી એપ્રિલથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં ધો.1 અને 2 પ્રજ્ઞા વર્ગ હોવાથી તેમાં પરીક્ષા નથી લેવાતી. જ્યારે ધો.3 થી 8 માં જિલ્લા પંચાયત હસ્તકની સરકારી અને ગ્રાન્ટેડના 1.36 લાખ જયારે ખાનગી શાળાના 2 લાખ જેટલા છાત્રો છે. જયારે શિક્ષણ સમિતિની 92 શાળાના 34,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વખતે ધો.3 થી 5 અને ત્યારબાદ ધો. 6 થી 8ની પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 3 થી 5 ની પરીક્ષા 3 થી 10 એપ્રિલ જયારે ધોરણ 6 થી 8 ની પરીક્ષા 12 થી 20 એપ્રિલ સુધી લેવામાં આવશે જેમાં ધો.3 થી 5 માં પરીક્ષાનો સમય સવારે 8 થી 10 વાગ્યાનો રહેશે. જયારે ધો.6 થી 8 માં પરીક્ષાનો સમય સવારે 8થી 11 વાગ્યાનો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારથી પ્રાથમિક શાળાઓની પરીક્ષા શરૂ થઇ રહી છે જે 20 એપ્રિલે પૂર્ણ થશે આ પછી વિદ્યાર્થીઓનું ઉનાળુ વેકેશન પરીક્ષા બાદ તુરંત શરૂ થશે. જયારે શિક્ષકો માટે તા.1 મેથી 4 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. ધોરણ 1થી 9 અને 11ના પરીક્ષાના પરિણામો શાળાઓ દ્વારા 1લી મે સુધીમાં જાહેર કરી દેવાશે.