Site icon Revoi.in

બાવળા-બગોદરા હાઇવે પર ભાયલા ગામ નજીક ટેમ્પો પલટી જતાં એએસઆઇનું મોત

Social Share

અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા અને બગોદરા વચ્ચે ભાયલા ગામ પાસે હાઈવે પર ટેમ્પો પલટી ખાતા બગોદરા પોલીસ સ્ટેશનના એએસઆઈનું મોત નિપજ્યુ હતુ. એએસઆઈ પોલીસ બંદોબસ્તમાંથી ટેમ્પામાં બેસીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (એએસઆઇ) ગંભીરસિંહ દાનુભા સોલંકીનું ચાલુ ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, પોલીસ કર્મી ગંભીરસિંહ સોલંકી અમદાવાદ રાજ્યપાલના બંદોબસ્તમાં ગયા બાદ પરત બગોદરા આવી રહ્યા હતા. તેઓ જે ટેમ્પોમાં સવાર હતા, તે ટેમ્પો ભાયલા ગામના પુલના છેડે અચાનક પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ચાલક અને પોલીસ કર્મી ગંભીરસિંહ સોલંકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે બાવળાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પોલીસ કર્મી ગંભીરસિંહ સોલંકીનું કરુણ મોત નીપજ્યું હતું. દુઃખદ બાબત એ છે કે, ફરજ દરમિયાન મોતને ભેટેલા આ પોલીસ કર્મીને નિવૃત્ત થવામાં માત્ર 80 દિવસ જ બાકી હતા.

શહીદ પોલીસ કર્મીના પાથવ દેહને તેમના વતન ધંધુકા તાલુકાના હડાળા ગામે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમને ‘ગાર્ડ આફ ઓનર’ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ શોકપૂર્ણ પ્રસંગે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ , નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિ (ધોળકા વિભાગ), બગોદરા પીઆઇ યુ. બી. જોગરાણા, તેમજ બગોદરા અને ધંધુકા પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને શહીદ પોલીસ કર્મીને અંતિમ વિદાય આપી હતી.

 

 

Exit mobile version