Site icon Revoi.in

પાટણમાં ASIએ પોક્સો કેસમાં સંડોવવાની ધમકી આપી રૂપિયા 50.000ની લાંચ માગતા ગુનો નોંધાયો

Social Share

પાટણઃ શહેરમાં લાંચ માગવાના એક કેસમાં લાંચ રૂશ્વત વિરોધી શાખાના અધિકારીઓએ  સીપીઆઈ કચેરીમાં ફરજ બજાવતા એએસઆઈ ઈશ્વર દેસાઈની ધરપકડ કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો. આરોપી એએસઆઈએ એક વ્યક્તિને પોક્સો કેસમાં ખોટી રીતે સંડોવવાની ધમકી આપીને 50 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

આ કેસની વિગત એવી છે કે. પાટણમાં સીપીઆઈની કચેરીમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ઈશ્વર દેસાઈએ ફરિયાદીને ફોન કરીને જણાવ્યું કે, તેમનું નામ પોક્સોના કેસમાં આવ્યું છે. નિવેદન માટે પાટણ સીપીઆઈ કચેરી આવવા જણાવ્યું હતુ. ફરિયાદી કચેરી પહોંચ્યા ત્યારે આરોપીએ પોક્સો કેસમાં સંડોવવાની ધમકી આપી પ્રથમ 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી ત્યારબાદ વાટાઘાટના અંતે રકમ 50 હજાર રૂપિયા નક્કી થઈ હતી. ફરિયાદીએ લાંચ આપવા માગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ 23 જાન્યુઆરી 2020ના રોજ છટકું ગોઠવ્યું હતું. જો કે, અનિવાર્ય સંજોગોને કારણે તે નિષ્ફળ રહ્યું. ત્યારબાદ એસીબીએ ખુલ્લી તપાસ હાથ ધરી હતી. તપાસમાં દસ્તાવેજી, વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવા મળ્યા હતા.આ પુરાવાના આધારે પાટણ એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988ની કલમ-7 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. જાદવ કરી રહ્યા છે. અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે.બી. ચુડાસમા સુપરવિઝન અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.