1. Home
  2. ગુજરાતી
  3. આસામ સરકારે 19 બાંગ્લાદેશી ઘુસણખોરોને પરત હાંકી કાઢ્યાં
આસામ સરકારે 19 બાંગ્લાદેશી ઘુસણખોરોને પરત હાંકી કાઢ્યાં

આસામ સરકારે 19 બાંગ્લાદેશી ઘુસણખોરોને પરત હાંકી કાઢ્યાં

0
Social Share

ગુવાહાટી: બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા અને લઘુમતીઓ પરના અત્યાચારો વચ્ચે ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. એક તરફ બાંગ્લાદેશમાં ઈશનિંદાના ખોટા આરોપસર હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની કરપીણ હત્યા કરી તેના મૃતદેહને સળગાવી દેવાની ઘટનાથી લોકોમાં રોષ છે, તો બીજી તરફ આસામ સરકારે સરહદ પારથી થતી ગેરકાયદે ઘૂસણખોરી સામે કાર્યવાહી શરૂ કરી છે. આસામ પોલીસ અને BSFએ સંયુક્ત ઓપરેશન ચલાવી 19 ગેરકાયદે ઘૂસણખોરોને પકડી પાડી તેમને પાછા બાંગ્લાદેશ હાંકી કાઢ્યા છે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ ઘૂસણખોરોની તસવીરો શેર કરતા આક્રમક અંદાજમાં લખ્યું કે, “આ લોકો ભારતમાંથી ગાયબ થઈ ગયા અને ફરીથી પોતાના ‘નરક’માં પહોંચી ગયા છે. સંદેશ સ્પષ્ટ છે કે, આસામમાં ગેરકાયદેસર રીતે રહેવું એટલે અંત નિશ્ચિત છે.” આ ઘૂસણખોરોને નાગાંવ અને કાર્બી આંગલોંગ જિલ્લામાંથી પકડવામાં આવ્યા હતા. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી એ મોટા અભિયાનનો ભાગ છે જેનો હેતુ આસામની વસ્તીનું સંતુલન અને સુરક્ષા જાળવી રાખવાનો છે. રાજ્યની ઓળખ અને સંસ્કૃતિને બચાવવા માટે મુખ્યમંત્રીના આદેશ પર કોઈપણ નરમાશ વગર સીધા અને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

બાંગ્લાદેશમાં હાલ સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. મૈમનસિંગમાં રહેતા હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસ પર ઈશનિંદાનો આરોપ લગાવી ઉશ્કેરાયેલા ટોળાએ તેને એટલો માર માર્યો કે તેનું મોત નીપજ્યું હતું. આટલેથી ન અટકતા, હિંસક ટોળાએ તેના મૃતદેહને ઝાડ સાથે બાંધીને આગ ચાંપી દીધી હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, ભારતે ઢાકા પ્રશાસન પાસે માંગ કરી છે કે દીપુ ચંદ્ર દાસના હત્યારાઓને સખત સજા કરવામાં આવે અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદથી જ અશાંતિનો માહોલ છે. લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ અરાજકતાનો લાભ લઈને કેટલાક કટ્ટરપંથી તત્વો લઘુમતી હિન્દુ સમુદાયને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે સરહદી રાજ્યોમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code