Site icon Revoi.in

સોજીત્રાના પલોલ ગામે રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું

Social Share

આણંદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાત લઈ ગ્રામીણ સંસ્કૃતિને માણી હતી. રાજ્યપાલએ પલોલ ગામના ખેડૂતો, પશુપાલકોની મુલાકાત લઈ સ્વચ્છતા,પશુપાલન અને પ્રાકૃતિક ખેતી વિષયો પર વાતચીત કરી હતી. ખેડૂતના ઘરે ભોજન લીધા બાદ રાજ્યપાલે પ્રાથમિક  શાળાના સામાન્ય ઓરડામાં રાત્રી વિશ્રામ કર્યો હતો. સામાન્ય સુવિધાઓ ધરાવતા શાળાના ઓરડામાં સાદગીપૂર્ણ રાત્રી વિશ્રામ દરમ્યાન રાજ્યપાલએ ગ્રામ્ય સંસ્કૃતિ અને ગ્રામજીવનને નજીકથી જાણવાનો અનુભવ કર્યો હતો.

આણંદ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે બીજા દિવસે વહેલી સવારે પલોલ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા  અમિતભાઈ પટેલના ખેતરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ હળ ચલાવીને ખેતરમાં ખેડાણ કર્યું હતું..રાજ્યપાલએ સવારમાં પ્રાથમિક શાળામાં આવેલા વિદ્યાર્થીઓના કક્ષમાં પહોંચીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજ્યપાલએ વિદ્યાર્થીઓને ભણી ગણીને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી તેમજ વ્યક્તિત્વ વિકાસ કરી સમાજ, રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા પૂરી પાડી હતી.

ગામના ખેડૂતોને રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને લગતી બાબતો અંગે વિસ્તારપૂર્વક સમજ આપી હતી. તેમજ પ્રાકૃતિક કૃષિ દ્વારા કેવી રીતે વધુ ઉપજ મેળવી શકાય તેના વિવિધ આયામો અંગે પણ માહિતી આપી હતી. ઉપરાંત ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિને લગતા સવાલોના જવાબો આપી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. રાજયપાલએ પશુપાલક અને ખેડૂત  ગોપાલભાઈ રબારીની દેશી ગાયને દોહી ભારતીય સંસ્કૃતિમાં ગાયના મહત્વને ઉજાગર કર્યું હતુ. તેમણે ગોપાલભાઈ દ્વારા કરવામાં આવતા ગૌ સંવર્ધનનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું.  આ ઉપરાંત તેમણે પલોલ ગામમાં પશુપાલન વ્યવસાય બાબતે વાતચીત કરી હતી. સાથે જ પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું.

બીજા દિવસે પ્રાકૃતિક ફાર્મની મુલાકાત બાદ રાજ્યપાલએ રૂણજ ગામે સરદાર સ્મૃતિ વન ખાતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલએ વડના છોડનું વાવેતર કરી ત્રણ વર્ષ સુધી તેની જાળવણી કરવા અધિકારીઓને સૂચના પણ આપી હતી.

Exit mobile version