Site icon Revoi.in

અડાલજ વિસ્તારમાં રેતી ભરેલા ડમ્પરને રોકતા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો

Social Share

ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજ ચોરી બેફામપણે થઈ રહી છે. ત્યારે અડાલજ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે રેતી વહન કરતા ડમ્પરને પકડ્યું હતું.  દરમિયાન ખનીજ માફિયાઓએ સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. આ બનાવની અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ બનાવની વિગતો એવી છે કે, અડાલજ વિસ્તારમાં  ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર અક્ષતકુમાર લાડાણી અને તેમની ટીમ રૂટીન ચેકિંગમાં નીકળી હતી. રાત્રે બે વાગ્યે સોલા સર્કલ પાસે એક રેતી ભરેલું ડમ્પર મળ્યું હતું. ડમ્પરમાં રોયલ્ટી પાસ નહોતો અને નંબર પ્લેટ પણ નહોતી. ટીમે ડમ્પરને અડાલજ શ્રીજી સપ્લાય સ્ટોક તરફ લઈ જવાનું નક્કી કરીને સિક્યુરિટી ગાર્ડ કમલેશને ડમ્પરમાં બેસાડવામાં આવ્યો હતો. ડમ્પર એસ.જી. હાઇવે પર પહોંચતા બે સફેદ આઇ-20, એક કાળી સ્કોર્પિયો અને એક સ્વિફ્ટ કાર આવી હતી. આ ગાડીઓએ ટીમને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ડમ્પર સર્વિસ રોડ પર નીકળી ગયું હતું અને રસ્તા પર રેતી ઢોળતું જતું રહ્યું હતું. સિક્યુરિટી ગાર્ડ કમલેશે ફોન કરીને જણાવ્યું કે તે પોર ગામના લોકેશનમાં છે. ત્રણ વ્યક્તિઓએ તેને ડમ્પરમાંથી ઉતારી લીધો હતો અને લાકડીથી માર માર્યો હતો.

ખનીજ વિભાગ ટીમ પોર ગામ પહોંચી ત્યારે માત્ર ઘાયલ સિક્યુરિટી ગાર્ડ જ મળ્યો હતો. ડમ્પર ચાલક અને અન્ય લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી. સિક્યુરિટી ગાર્ડને એસ.એમ.એસ. હોસ્પિટલ ચાંદખેડામાં સારવાર આપવામાં આવી હતી. આ મામલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Exit mobile version