1. Home
  2. ગુજરાતી
  3. રાયબરેલીથી ‘બા’ રિટાયર: રામમંદિર લહેરે મજબૂર કર્યા કે સોનિયા ગાંધી માટે બેઠક છોડવી હતી જરૂરી?
રાયબરેલીથી ‘બા’ રિટાયર: રામમંદિર લહેરે મજબૂર કર્યા કે સોનિયા ગાંધી માટે બેઠક છોડવી હતી જરૂરી?

રાયબરેલીથી ‘બા’ રિટાયર: રામમંદિર લહેરે મજબૂર કર્યા કે સોનિયા ગાંધી માટે બેઠક છોડવી હતી જરૂરી?

0
Social Share

નવી દિલ્હી: 1999થી સતત પાંચ વખત લોકસભા સાંસદ રહેવા છતાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જનતા વચ્ચે જઈને લોકસભામાં ચૂંટાવાની લડાયક વૃત્તિ છોડીને રાજ્યસભાના માધ્યમથી ચૂંટાવાનું વધુ પસંદ કર્યું છે. જેના કારણે નવા રાજકીય સમીકરણો ઉભા થયા છે.

સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભામાં જવાના છે. જો કે તેમની પાસે કોંગ્રેસશાસિત તેલંગાણામાં રાજ્યસભા અથવા લોકસભામાં જવાનું નિમંત્રણ હતું. પરંતુ કદાચ રાહુલ ગાંધી કેરળ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના કર્ણાટકના સાંસદ હોવાના કારણે તેઓ કોંગ્રેસની ઉત્તર-દક્ષિણની રાજકીય ચર્ચાનું કેન્દ્ર બનવા માંગતા ન હતા.

તેથી ઉતર ભારતીય અથવા હિંદીભાષી રાજ્ય રાજસ્થાનથી રાજ્યસભામાં જઈને તેઓ એક પ્રકારે કોંગ્રેસને આવી ઉત્તર વિરુદ્ધ દક્ષિણની રાજનીતિની ચર્ચાથી દૂર રાખવા માંગે છે. જો કે સવાલ મોટો છે કે સોનિયા ગાંધી આખરે રાયબરેલીની પોતાની પરંપરાગત લોકસભા બેઠક છોડીને કેમ ચાલ્યા ગયા?

ઉત્તરપ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી એકમાત્ર રાયબરેલી એવી બેઠક હતી કે જે ભાજપના ભગવા સૂર્યની સમક્ષ દીવાની માફક ટમટમતી હતી. હવે સવાલ એ થાય છે કે શું 2024ની લોકસભાની ચૂંટણીમાં રામમંદિરનો મુદ્દો એટલો મોટો થઈ રહ્યો છે કે સોનિયા ગાંધી રાયબરેલીથી પણ પોતાની હાર જોવા લાગ્યા હતા? અને તેથી તેઓ આ બેઠક પર ચૂંટણી લડવા માંગતા ન હતા?

એક ખાનગી સર્વેક્ષણ સંસ્થા દ્વારા તાજેતરમાં ઉત્તરપ્રદેશની 80 લોકસભા બેઠકો પર સર્વે કરાયો અને તેમાં કોંગ્રેસ માટે રાયબરેલીથી જીતની સંભાવના 45 ટકા હોવાનું જણાવાયું. તો શું આ કારણે સોનિયા ગાંધીએ રાયબરેલીથી પલાયન કરવાનો માર્ગ પસંદ કર્યો અથવા અસલ વાત કંઈક બીજી છે…

1998માં તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સીતારામ કેસરીનો સામાન કોંગ્રેસ કાર્યાલયમાંથી બહાર ફેંકાવી દેવાયો હતો અને સોનિયા ગાંધીએ પાર્ટીની કમાન સંભાળી. તેઓ સૌથી લાંબો સમય સુધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રહ્યા હતા. તેમણે કોંગ્રેસને મજબૂત કરી અને અટલ-અડવાણીની ભગવા આંધીની સામે ટકી પણ રહ્યા.

2004ની લોકસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ તરફથી વડાપ્રધાન પદના સ્વાભાવિક દાવેદાર હતા. પરંતુ વિદેશી મૂળના મુદ્દાને જોતા ડૉ. મનમોહનસિંહને વડાપ્રધાન બનાવાયા હતા. જો કે એક દશક સુધી સત્તા અને સંગઠન પરની સોનિયા ગાંધીની પકડ જગજાહેર છે. તે સમયગાળામાં વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો સોનિયા ગાંધીની સાથે મુલાકાત કરવા માટે દશ જનપથ આવતા હતા. આ એક દાયકો તેમણે ઈચ્છયું તેવું તેમણે કર્યું.

કોંગ્રેસ જ્યારે સારી સ્થિતિમાં હતી, ત્યારે સોનિયા ગાંધીએ પોતાની પહેલી ચૂંટણી કર્ણાટકની બેલ્લારી અને યુપીની રાયબરેલી બેઠક પરથી લડી હતી. પરંતુ ઉત્તરપ્રદેશની રાજકીય મહત્તાને ધ્યાનમાં રાખીને તેમણે રાયબરેલી બેઠક પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. આમ તો રાયબરેલી, પીલીભીત, સુલ્તાનપુર અને અમેઠી ગાંધી-નહેરુ પરિવાર ના નામથી જ જાણીતી બેઠકો રહી છે. જનતા તેમને ચૂંટતી રહી છે. જો કે 2019માં રાહુલ ગાંધી અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા.

હવે સોનિયા ગાંધીનું રાજસ્થાનથી રાજ્યસભામાં જવું રાયબરેલીને લઈને યક્ષપ્રશ્ન ઉભો કરે છે કે જો સોનિયા ગાંધી નહીં તો કોણ? સવાલ એ પણ છે કે શું રાયબરેલી સહીતના આવા વિસ્તારોમાં પારિવારીક રાજનીતિનો જે લગાવ રહ્યો, તો શું સમાપ્ત થશે?

આમ તો એકવાત નક્કી છે કે ઉત્તરપ્રદેશ, જ્યાં કોંગ્રેસની પાસે ખોવા માટે કંઈ બચ્યું નથી, ત્યાંથી સોનિયા ગાંધીનું જવું પાર્ટી કાર્યકર્તાઓને હતોત્સાહિત કરવાનું સાબિત થશે.

તો માનવામાં આવે છે કે રાહુલ ગાંધી હવે કદાચ અમેઠીની દિશા નહીં પકડે, કારણ કે રામમંદિર લહેરમાં તેમના માટે અહીં કંઈ બચ્યું નથી. તેઓ લોકસભામાં કેરળની વાયનાડ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા રહેશે, તેવી સંભાવના છે.

પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે કે નહીં, આ કોંગ્રેસને લઈને સૌથી વધુ રહસ્યમયી પ્રશ્ન છે અને સોનિયા ગાંધી રાયબરેલીથી જીતી જ જાત, એ ભવિષ્યના ગર્ભમાં છૂપાયેલી બાબત છે. તેવામાં સોનિયા ગાંધીનું રાજ્યસભામાં જવું ક્યાંકને ક્યાંક બંને ગૃહોમાં ગાંધી-નહેરુ પરિવારની પ્રાસંગિકતા બચાવવાનું વધુ લાગી રહ્યું છે.

જો લોકસભામાં રાહુલ ગાંધી અને રાજ્યસભામાં સોનિયા ગાંધી હશે, તો ભાજપના કોંગ્રેસ મુક્ત ભારતના સ્વપ્નનું હકીકત નહીં બને. પછી જે પ્રકારે પ્રદેશ એકમોમાંથી જૂના કોંગ્રેસી હાથનો સાથ છોડીને કેસરિયો ધારણ કરી રહ્યા છે, તેવામાં કોંગ્રેસને ફરીથી બેઠી કરવામાં ગાંધી નહેરુ પરિવારના નામનો સહારો વાંછિત હશે અને બંને ગૃહોમાં પરિવારનું પ્રતિનિધિત્વ આ કામને સારી રીતે અંજામ આપી શકશે.

આ સિવાય સોનિયા ગાંધી રાજ્યસભામાં હશે, તો રાહુલ ગાંધીને વધુ એક્સ્પોઝર મળશે. રાહુલ ગાંધીને લઈને દાવો થઈ રહ્યો છે કે ભારત જોડો યાત્રા અને ન્યાય યાત્રા બાદ રાજકીય રીતે વધુ પરિપકવ દેખાય રહ્યા છે. જો કે સોનિયા ગાંધીએ રાજ્યસભામાં જવા માટે પોતાના સ્વાસ્થ્ય અને વધતી વયને કારણ ગણાવી છે. જો કે હકીકત એ પણ છે કે પોતાના ખરાબ સ્વાસ્થ્ય છતાં તેઓ બે વખત રાયબેરલીથી જીત્યા હતા. જો કે છેલ્લી બંને ચૂંટણીઓમાં રાયબરેલીમાં પડકારો ઘણાં મોટા હતા.

રાજ્યસભામાં સોનિયા ગાંધી કોંગ્રેસને મજબૂત કરશે અને સરકારને ઘેરવામાં મજબૂત રણનીતિ પણ બનાવશે.

પરંતુ આ સિવાયનું એક કારણ એ પણ છે કે પ્રિયંકા અને રાહુલને સરકારી બંગલાઓ ખાલી કરાવાયા બાદ લુટિયન્સની રાજનીતિમાં સોનિયા ગાંધીનું 10 જનપથનું નિવાસસ્થાન કેન્દ્રબિંદુ છે અને તેને ગુમાવવા નહીં ચાહે. કોઈપણ ગૃહના સાંસદ નહીં હોવાની સ્થિતિમાં તેમના હાથમાંથી વિપક્ષી શક્તિનું કેન્દ્ર છીનવાય તેવો ડર હતો. જે હવે સમાપ્ત થઈ ગયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code