1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પોળોના જંગલમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ, હવે ડેમ સહિતની સાઈટ્સ નિહાળવા ઈ-રિક્ષાની સુવિધા
પોળોના જંગલમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ, હવે ડેમ સહિતની સાઈટ્સ નિહાળવા ઈ-રિક્ષાની સુવિધા

પોળોના જંગલમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ, હવે ડેમ સહિતની સાઈટ્સ નિહાળવા ઈ-રિક્ષાની સુવિધા

0
Social Share

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના પોળોના જંગલમાં પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતનું એક માત્ર કુદરતી સૌંદર્યની સમૃધ્ધિ અને ઐતિહાસિક વિરાસત ધરાવતા પોળોના ગાઢ જંગલમાં વરસાદી સીઝનમાં કુદરતનો અનોખો નજારો સર્જાયો છે. માત્ર ગુજરાતના જ નહીં પણ હવે તો પરપ્રાંતના લોકો પણ પોળોના જંગલને મહાલવા માટે આવી રહ્યા છે. જંગલમાં ખાનગી વાહનોના પ્રવેશને લીધે પ્રદુષણ થતું હોવાની ફરિયાદો ઊઠી હતી. ત્યારે ખાનગી વાહનોના પ્રવેશ પર રોક લગાવીને પ્રવાસીઓને ઈ-રિક્ષા દ્વારા જંગલની સહેર કરાવવામાં આવી રહી છે. અભાપુરમાં હવે ઈ-રિક્ષા થકી પોળોના જંગલમાં પ્રદૂષણ ફેલાતું રોકવા પ્રયાસ કરાયો છે. અહીં પેટ્રોલ-ડીઝલની કારમાં જવા નહીં મળે. તાજેતરમાં જ અહીં ઈ-રિક્ષા પ્રોજેક્ટ શરૂ કરાયો છે. કલેક્ટરે પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતાં પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે આ ઈ-રિક્ષા જ એક માત્ર સહારો બનશે.

પોળોના જંગલના પ્રવેશ દ્વાર એવા અભાપુર ખાતે ઇ-રીક્ષા લોકાર્પણ સમયે જિલ્લા વિકાસ અધિકારી શાહે જણાવ્યું હતું કે, પોળો સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય પર્યટન સ્થળ છે, અને વિપુલ કુદરતી સૌંદર્યનો ભંડાર છે. આ વિસ્તારમાં પ્રદૂષણ ના ફેલાય અને તે જોવાની સ્થાનિક લોકો અને વહિવટી તંત્રની જવાબદારી છે. શુધ્ધ હવા એ દરેક જીવનો અધિકાર છે અને તેનું સંવર્ધન એ આપણા સૌની સહિયારી જવાબદારી બને છે. ઇ-રિક્ષા થકી પર્યાવરણની જાળવણી થાય છે. વાતાવરણ પ્રદૂષણમુક્ત બનશે. આ વિસ્તારના લોકોને રોજગારી મળવાની સાથે બહારથી સહેલ માણવા આવતા લોકોને નવી સવલત મળશે.

સાબરકાંઠાના પ્રવાસનધામ પોળો ફોરેસ્ટ ખાતે તેના કુદરતી સૌદર્યને લઇ અનેક લોકો આ કુદરતી સૌદર્યને નિહાળવા તેમજ માણવા અહીં આવતા હોય છે. પ્રવાસ માટે આવતા લોકો પોતાની સાથે પ્લાસ્ટિકની બેગ તેમજ અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. જેને પગલે કુદરતના ખોળે પ્રદૂષણ જેવી આપત્તિ ઉભી થાય છે. આથી પોળો જંગલ ખાતેના શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરિઝમ તરીકે વિક્સાવવા માટે જિલ્લા કલેક્ટર હિતેષ કોયાએ 17 જૂને જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતાં પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધ 16 ઑગસ્ટ સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ દંડ સંહિત કલમ 188 હેઠળ દંડ કાર્યવાહી કરાશે.

અમદાવાદથી લગભગ 160 કિલોમીટરના અંતરે આવેલા પોળોના જંગલો એ જોવા લાયક સ્થળ છે. આ જંગલ ઇડર તાલુકાના વિજયનગર નજીક આવેલું છે. પ્રાચીન પોળો શહેર હરણાવ નદીને કાંઠે વસેલું હતુ, ઇડરના પરિહાર રાજાઓ દ્વારા 10મી સદીમાં આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાનું કહેવાય છે. ત્યારબાદ મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા 15મી સદીમાં આ સ્થળ કબ્જે કરાયું હતું

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code