ભૂજ, 2 જાન્યુઆરી 2026: Ban on unregistered horse and camel riding in the White Desert of Dhordo કચ્છના સુપ્રસિદ્ધ ધોરડાના સફેદ રણનો નજારો માણવા માટે દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે. ત્યારે પ્રવાસીઓની સલામતી માટે રજિસ્ટ્રેશન વિનાની ઘોડે-ઊંટ સવારી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સફેદ રણમાં વાહનો લઈ જવા પર પ્રતિબંધ રહેશે. તેમજ ધોરડો સફેદ રણ, રોડ ટુ હેવન વિસ્તાર પ્લાસ્ટિક ફ્રી ઝોન તરીકે યથાવત રહેશે. જિલ્લા કલેકટર દ્વારા 3 જાહેરનામાની મુદત 28 ફ્રેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે,
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. રણોત્સવમાં સફેદ રણનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે. રણ ઉત્સવમાં આવતા પ્રવાસીઓ રણ વિસ્તારમાં ચાલતી ઘોડે સવારી/ઊંટ સવારીનો આનંદ માણતા હોય છે ત્યારે રજિસ્ટ્રેશન કરાવ્યા સિવાય અનઅધિકૃત રીતે ચાલતી ઘોડે સવારી/ઊંટ સવારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ઉપરાંત રણ ઉત્સવમાં આવતા પ્રવાસીઓ જાણતા-અજાણતા રણની અંદર પોતાના વાહનો લઈ જતાં હોય છે. જેના કારણે ઘણીવાર વાહનો ફસાઈ જતા તેમને રેસ્કયુ કરવાની ફરજ ૫ડે છે ત્યારે ખાનગી વાહનો લઈ જવા માટે Restricted Zone જાહેર કરાયો છે.
આ ઉપરાંત સફેદ રણ વિસ્તાર, રોડ ટુ હેવનનો વિસ્તાર તેમજ ધોરડો રણ ઉત્સવનો વિસ્તાર ૫ર્યાવરણીય દ્રષ્ટીએ સંવેદનશીલ હોવાથી પ્રવાસીઓ દ્વારા પ્રવાસ દરમિયાન પ્લાસ્ટિકની બોટલ્સ, કોથળીઓ અને અન્ય પ્લાસ્ટિકની સિંગલ યુઝ ચીજવસ્તુઓ જેવો કચરો સફેદ રણ વિસ્તારમાં, રોડ ટુ હેવન વિસ્તારમાં અને તેને સંલગ્ન રણમાં ભરાયેલા પાણીમાં ફેંકવામાં ન આવે તે માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે આ જાહેરનામાં 28 ફ્રેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.

