IPLમાં બાંગ્લાદેશી ખેલાડી રહેમાન નહીં રમે, BCCIનો મહત્વનો નિર્ણય
નવી દિલ્હી, 3 જાન્યુઆરી 2026: હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓને સતત ટાર્ગેટ બનાવવાની ઘટનાને પગલે ભારતીયોમાં રોષ ફાટ્યો છે. એટલું જ નહીં આગામી આઈપીએલમાં બાંગ્લાદેશના ખેલાડીઓને નહીં રમાડવાની માંગણી ઉઠી છે. દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ને પોતાના સ્કવોર્ડમાંથી રહેમાનને દૂર કરવા માટે નિર્દેશ કર્યો છે.
બીસીસીઆઈના સચિવ દેવાજિત સૈકિયાએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા રહેમાનને કેકેઆરના સ્કવોર્ડમાંથી દૂર કરવા મામલે નિર્ણય લેવાયો છે. તાજેતરમાં જ આઈપીએલની યોજાયેલ મીની ઓક્શનમાં કેકેઆર દ્વારા રહેમાનને રૂ. 9.20 કરોડની મોટી રકમ આપીને ખરીદવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે વિદ્યાર્થી આંદોલનના બહાને હસીના શેખની સરકારને પાડવામાં આવી હતી. જે બાદ મોહમહ યુનુસને વચગાળાની સરકારની કમાન સોંપવામાં આવી હતી. દરમિયાન કટ્ટરપંથીઓ વધારે ઉગ્રબન્યાં હતા. તેમજ છેલ્લા કેટલાક દિવસોથી કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. જેના ઘેરાપડઘા ભારતમાં પડ્યાં છે. તેમજ હિન્દુઓ ઉપર થતા અત્યાચાર મુદ્દે સરકારે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
બીજી તરફ કેકેઆર દ્વારા પોતાની ટીમમાં બાંગ્લાદેશી બોલર રહેમાનને સામેલ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે ક્રિકેટ પ્રેમીઓએ કેકેઆરના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ બાંગ્લાદેશી ક્રિકેટરને આઈપીએલમાંથી દૂર કરવા માટે સતત માંગણી કરવામાં આવી રહી હતી. જો કે, બીસીસીઆઈ અને કેકેઆર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી નહીં કરવામાં આવતા દેશવાસીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. દરમિયાન આજે બીસીસીઆઈ દ્વારા રહેમાનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ કેન્દ્રનો Grok AI માંથી અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ, 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો


