Site icon Revoi.in

બાંગ્લાદેશની અંતરિમ સરકારે પૂર્વ PM શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે ભારતને સત્તાવાર પત્ર મોકલ્યો

Sheikh Hasina verdict
Social Share

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની અંતરિમ સરકારે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના પ્રતિર્પણની માંગને લઈને ભારતને સત્તાવાર પત્ર મોકલ્યો છે. વિદેશ બાબતોના સલાહકાર મહમ્મદ તૌહીદ હુસૈને જણાવ્યું કે, આ પત્ર બે દિવસ પહેલા મોકલવામાં આવ્યો હતો, જોકે તેમણે તેની વધુ વિગતો જાહેર કરી નથી. સરકારી ન્યૂઝ એજન્સી અનુસાર આ પત્ર નવી દિલ્હીમાં સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશન મારફતે ભારતને મોકલવામાં આવ્યો છે.

17 નવેમ્બરે બાંગ્લાદેશના ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલ (ICT) એ 78 વર્ષીય શેખ હસીના અને તે સમયના ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન કમાલને માનવતા વિરુદ્ધ ગુનાઓના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ નિર્ણય તેમની ગેરહાજરીમાં આપવામાં આવ્યો હતો. હસીના હાલ ભારતમાં છે.

શેખ હસીનાની અવામી લીગની સરકારે ગયા વર્ષે થયેલા ઉગ્ર આંદોલન બાદ 5 ઓગસ્ટે પદ ગુમાવ્યું હતું. ત્યારબાદ હસીને બાંગ્લાદેશ છોડીને ભારતમાં આશરો લેવો પડ્યો હતો. આ બળવા દરમિયાન વ્યાપક હિંસા જોવા મળી હતી અને સરકારે વિરોધીઓ પર કઠોર કાર્યવાહી કરવાનો આરોપ લાગ્યો હતો. યુનાઇટેડ નેશન્સ માનવાધિકાર કાર્યાલયના અહેવાલ અનુસાર 15 જુલાઈથી 15 ઓગસ્ટ વચ્ચે લગભગ 1,400 લોકોના મૃત્યુ થયા હતા.

સરકાર પડ્યા બાદ ત્રણ દિવસમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મહમ્મદ યુનુસ પેરિસથી ઢાકા પરત આવ્યા અને વિદ્યાર્થી સમૂહના આહ્વાન પર અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર તરીકે પદ સંભાળ્યું હતું. અંતરિમ સરકારે ગયા ડિસેમ્બર મહિનામાં પણ હસીનાના પ્રતિર્પણ માટે ભારતને પત્ર મોકલ્યો હતો. ભારતે તે પત્ર મળ્યાની પુષ્ટિ કરી હતી, પરંતુ કોઈ ટિપ્પણી કરી નહોતી.

17 નવેમ્બરના ICTના ચુકાદા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) કહ્યું હતું કે, ભારતે આ નિર્ણયને સંજ્ઞાનમાં લીધો છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે પડોશી દેશ તરીકે ભારત બાંગ્લાદેશમાં શાંતિ, લોકશાહી, સ્થિરતા અને સર્વસમાવેશી વિકાસને પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતા ધરાવે છે અને તમામ પક્ષો સાથે રચનાત્મક સંવાદ ચાલુ રાખશે.

Exit mobile version