1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકાર ગેરેન્ટર હોય ત્યારે બેન્કોએ નાના વેપારીઓને સરળતાથી ધિરાણ આપવું જોઈએઃ મુખ્યમંત્રી
સરકાર ગેરેન્ટર હોય ત્યારે બેન્કોએ નાના વેપારીઓને સરળતાથી ધિરાણ આપવું જોઈએઃ મુખ્યમંત્રી

સરકાર ગેરેન્ટર હોય ત્યારે બેન્કોએ નાના વેપારીઓને સરળતાથી ધિરાણ આપવું જોઈએઃ મુખ્યમંત્રી

0
Social Share

ગાંધીનગરઃ  સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 178 મી બેઠકના અધ્યક્ષ સ્થાનેથી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના અને ગરીબ માનવીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા આર્થિક સહાય આપવાનો જે ઉદ્દાત ભાવ દાખવ્યો છે તેમાં બેન્‍ક્સ વધુને વધુ સક્રિયતા થી મદદરૂપ થાય તે અપેક્ષિત છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોન સહાય યોજનાઓની વ્યાપક સફળતા માટે બેંકોના વધુ સક્રિય સહયોગનું આહવાન કર્યું છે. તેમણે ખાસ કરીને નાના માનવીઓ, નાના વેપારીઓ, ગ્રામીણ ખેડૂતો, પશુપાલકો, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપને લોન સહાય ધિરાણ આપવામાં જ્યાં સરકાર ગેરેન્‍ટર હોય ત્યાં બેન્‍ક્સ સરળતાએ ધિરાણ આપે તેવી હિમાયત કરી હતી. મુખ્યમંત્રીએ આ અંગે કહ્યું કે, બેન્‍કર્સ આવી લોન સહાયની ભરપાઈના અને અન્ય લોન સહાયની ભરપાઈના NPAની તુલના કરવા પણ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ બેન્‍કર્સને આવી ધિરાણ યોજનાઓમાં બ્રાન્ચ વાઇઝ ધિરાણ થાય તેવી પ્રક્રિયા વિકસાવવા સૂચન કરતા કહ્યું કે, છેવાડાના-અંતરિયાળ વિસ્તારના જરૂરતમંદ લોકોને આના પરિણામે ઝડપથી ધિરાણ મળશે અને યોજનાઓનો લક્ષ્યાંક સુપેરે પાર પાડી શકાશે.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ડિજિટલાઈઝેશન અને બેન્કિંગ એટ ડોર સ્ટેપનું શ્રેય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેમણે ડિજિટલ ટ્રાન્જેક્શન માટે આપેલી પ્રેરણાથી આજે નાનામાં નાનો વેપારી પણ કેશને બદલે ડિજિટલ ટ્રાન્જેક્શન કરે છે આવા સંજોગોમાં બેન્‍ક્સ પણ ડિજિટલાઈઝેશનનો વ્યાપ વિસ્તારે અને યોજનાકીય લાભો ત્વરાએ લાભાર્થીને મળે તે માટે પોઝિટિવ એપ્રોચ દાખવે તે આવશ્યક છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર બેન્‍કર્સ સાથે ઉભી રહીને યોજનાઓના સફળ અમલ માટે પ્રતિબદ્ધ છે. બેન્‍કર્સ પણ તેમને પડતી મુશ્કેલીઓ રાજ્ય સરકારના ધ્યાને લાવે તો સાથે બેસીને સમસ્યાનું સમાધાન થઈ શકે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી મોટી ઇકોનોમી બન્યો છે તેને ત્રીજા નંબરે લઈ જવામાં અને દેશના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતનું સ્થાન યથાવત રાખવામાં બેન્‍ક્સનું યોગદાન મહત્વપૂર્ણ બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્ય સચિવ  રાજકુમારે બેન્કિંગ સિસ્ટમને ઇકોનોમીની લાઈફ લાઈન ગણાવતા કહ્યું કે, બેન્‍કર્સ તેને આગળ ધપાવવામાં સહયોગ કરે. તેમણે ઉમેર્યું કે, આપણી પાસે પૂરતા સંસાધનો છે ત્યારે સોશિયલ સેક્ટરમાં ધિરાણ-સહાય વગેરે માટે ડેટા એનાલિટીક્સની મદદથી નવા ઈનીશિયેટીવ્ઝ લઈને ક્વોલિટેટીવ ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ.

મુખ્ય સચિવએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, KCC, PM સ્વનિધિ, જનધન ખાતા અને સ્વામીત્વ યોજના જેવી જન કલ્યાણ યોજનાઓનો વ્યાપ વધુ વિસ્તરે તે માટે બેન્‍ક્સની સક્રિયતા માટે અનુરોધ કર્યો હતો. SLBCના કન્વીનર અશ્વિનકુમારે બેઠકનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તથા SLBCના ચેરમેન અજય ખુરાનાએ સ્વાગત ઉદબોધન તેમજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સી.જી.એમ ઇન્ચાર્જ શ્રીમતી નિશા નાંબિયારે પ્રસંગિક સંબોધન કર્યું હતું. આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓના ધિરાણ લક્ષ્યાંક અને પ્રગતિની સમીક્ષા પ્રેઝન્ટેશન દ્વારા કરવામાં આવી હતી. રાજ્યની લીડ બેન્‍ક અને નાબાર્ડ સહિતની વિવિધ બેન્‍ક્સના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code