વ્રત હોય કે તહેવાર: ઘરે જ બનાવો ટેસ્ટી અને હેલ્ધી મખાનાની ખીર
મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો મખાનામાંથી બનેલા લાડુ, નમકીન અથવા તેની કરી બનાવીને ખાતા હોય છે. પરંતુ આજે અમે તમને મખાનામાંથી કંઈક મીઠું અને સ્વાદિષ્ટ બનાવવાની રીત જણાવીશું. જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો, તો તમે ‘મખાનાની ખીર’ ટ્રાય કરી શકો છો.
-
જરૂરી સામગ્રી
એક મોટી ચમચી ઘી, ¼ કપ બદામ, ¼ કપ કાજુ, ½ કપ મખાના, ½ લિટર દૂધ, ¼ કપ ખાંડ, ગાર્નિશિંગ માટે પિસ્તા, ½ નાની ચમચી એલચી પાવડર
-
બનાવવાની રીત
સૌથી પહેલા એક પેન ગરમ કરો. તેમાં ઘી ઉમેરીને બદામ અને કાજુને આછા સોનેરી (હળવા બ્રાઉન) થાય ત્યાં સુધી ધીમી આંચ પર શેકી લો. ત્યારબાદ તેમાં મખાના ઉમેરીને તે ક્રિસ્પી થાય ત્યાં સુધી રોસ્ટ કરો. શેકાઈ ગયા બાદ તેને એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા દો. હવે એક કડાઈમાં દૂધ ઉકાળવા મૂકો અને તેને થોડી મિનિટો સુધી ધીમી આંચ પર ઉકળવા દો. આ દરમિયાન, ઠંડા થયેલા મખાના અને કાજુ-બદામમાંથી અડધો ભાગ લઈને તેને મિક્સરમાં કરકરો (દરદરો) પીસી લો. હવે આ પીસેલા મખાના અને કાજુ-બદામના ભૂકાને ઉકળતા દૂધમાં ઉમેરો. તેને ધીમી આંચ પર પકાવો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી તે તળિયે ચોંટે નહીં. હવે એક બીજા સાફ પેનમાં ખાંડ લઈને તેને ધીમી આંચ પર ઓગળવા દો (કેરેમલાઈઝ થવા દો). બીજી તરફ, બચેલા કાજુ અને બદામના નાના-નાના ટુકડા કરી લો.જ્યારે દૂધ ઉકળીને થોડું ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં કેરેમલાઈઝ કરેલી ખાંડ ઉમેરો. હવે તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ, આખા બચેલા મખાના, એલચી પાવડર અને ઝીણા સમારેલા પિસ્તા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેને થોડીવાર વધુ પકાવો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ અને હેલ્ધી ‘મખાનાની ખીર’. તેને ગરમાગરમ અથવા ફ્રિજમાં ઠંડી કરીને સર્વ કરી શકો છો.


