
હરિ હરની પાવન ભૂમિ પ્રભાસમાં વિષ્ણુ પુરાણ કથાનો પ્રારંભ, સોમનાથ મંદિરેથી પોથી યાત્રા નિકળી
વેરાવળઃ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અધિક માસ ચાલી રહ્યો છે, અગિયારસના પવિત્ર દિવસે સોમનાથ ખાતે વિષ્ણુ પુરાણ કથાનો પ્રારંભ થયો છે, આ કથા વક્તા ભાવિનભાઇ રાવલના વ્યાસાસને તા.12 થી 16 ઓગસ્ટ દરમિયાન સોમનાથ ખાતે યોજાશે. પ્રભાસ હરિ હર ની પાવન ભૂમિ છે, જ્યાથી ભગવાન શ્રી કૃષ્ણએ વૈકુઠનુ મહાપ્રયાણ કરેલ, સાથે જ પૃથ્વી પર ભગવાન શિવનુ પ્રથમ અવતરણ આ ભૂમિ મા થયુ હોવાથી હરિ-હર ક્ષેત્રથી પણ આ પ્રભાસ ક્ષેત્ર સુપ્રસિદ્ધ છે. કથાની પોથીયાત્રા સોમનાથ મંદિરથી બ્રાહ્મણોના વેદ મંત્રોચ્ચાર અને ઢોલ-શરણાઇ સાથે નીકળેલી હતી, જેમાં ભક્તો, શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ અને સંસ્કૃત પાઠશાળાનાં ઋષિકુમારો જોડાયા હતા.
કથાના પ્રારંભે મંગલાચરણથી કથાની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી, સોમનાથનો મહિમા જણાવતા શાસ્ત્રીજીએ જણાવ્યુ હતુ. કે, સ્કન્ધ પુરાણ અનુસાર સવા કરોડ જેટલા તીર્થ અહીં નિવાસ કરે છે, અનેક દોષોને હરનાર આષુતોષ સોમેશ્વર અહીં બિરાજમાન છે. આ ક્ષેત્ર ભાસ્કર ક્ષેત્રથી પણ વિખ્યાત છે. પુરુષોત્તમ માસમાં ખાસ પાંચ દિવસનું વિશેષ માહાત્મ્ય છે. જેને પંચરાત્ર કહેવાય છે, જે અધિક માસની કૃષ્ણ પક્ષની અગિયારસ થી અમાસ સુધી ની હોય છે. તેની કથા શ્રવણ કરાવતા દરીદ્ર બ્રાહ્મણ પરિવાર પર શ્રીહરિની આ દિવસો દરમિયાન કથા સત્સંગથી પરિવારનો ઉદ્ધાર થયો આ કથા વિસ્તાર પૂર્વક શ્રવણ કરાવ્યુ હતું. આ દિવસો દરમિયાન બ્રહ્મચર્ય પાલન, મંત્ર જાપ, ધર્મકાર્ય વગેરે કરવાથી વિશેષ પુણ્ય અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આ તમામમાંથી રહી જતા પણ કોઈ પવિત્ર તીર્થ, સંગમ, પીપળાના વૃક્ષ પાસે દીપ દાન એટલે દીવો પ્રજ્વલિત કરી અર્પણ કરવાથી સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. તીર્થવાસનું પણ વિશેષ મહિમા છે, ત્રણ રાત્રી તીર્થમાં રોકાણ કરવાથી તીર્થ વાસ સિદ્ધ થાય છે.