બંગાળ SIR પ્રક્રિયા: ધોરણ 10ના એડમિટ કાર્ડની સાથે બોર્ડ સર્ટિફિકેટ પણ ફરજિયાત આપવુ પડશે
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયામાં દસ્તાવેજોની સત્યતાને લઈને સુપ્રીમ કોર્ટે મોટી સ્પષ્ટતા કરી છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે જણાવ્યું હતું કે, ઓળખના પુરાવા તરીકે ધોરણ 10ના એડમિટ કાર્ડને એકલા દસ્તાવેજ તરીકે સ્વીકારી શકાય નહીં. તેની સાથે બોર્ડ દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ડી.એસ. નાયડુએ કોર્ટમાં શંકા વ્યક્ત કરી હતી કે, અગાઉના આદેશમાં આધાર કાર્ડ અને માધ્યમિક બોર્ડના એડમિટ કાર્ડનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેના કારણે ભ્રમની સ્થિતિ સર્જાઈ છે. કારણ કે ચૂંટણી પંચ સામાન્ય રીતે માત્ર બોર્ડના સર્ટિફિકેટને જ માન્ય રાખે છે.
આ અંગે જસ્ટિસ બાગચીએ સ્પષ્ટતા કરી હતી કે, “અમે એડમિટ કાર્ડ રજૂ કરવાની મંજૂરી એટલા માટે આપી હતી કારણ કે તેમાં જન્મતારીખ અને પિતાનું નામ જેવી મહત્વની વિગતો હોય છે, જે ઘણીવાર માધ્યમિક બોર્ડના પ્રમાણપત્રમાં હોતી નથી. આમ છતાં, એડમિટ કાર્ડને સ્વતંત્ર ઓળખ પુરાવા તરીકે ગણી શકાય નહીં.”
સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને દલીલ કરી હતી કે, જે વ્યક્તિઓએ પરીક્ષા આપી નથી તેમની પાસે પણ એડમિટ કાર્ડ હોઈ શકે છે, તેથી તેને સ્વતંત્ર દસ્તાવેજ માનવો જોઈએ. જોકે, કોર્ટે આ દલીલ ફગાવી દેતા સાફ કર્યું હતું કે એડમિટ કાર્ડનો ઉપયોગ ત્યારે જ માન્ય રહેશે જ્યારે તે બોર્ડના સર્ટિફિકેટ સાથે જોડાયેલું હશે.
સુપ્રીમ કોર્ટે SIR પ્રક્રિયામાં ઝડપ અને પારદર્શિતા લાવવા માટે નીચલી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરી છે. કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે, તમામ સંબંધિત દસ્તાવેજો ગુરુવાર, 26 ફેબ્રુઆરી સાંજે 5 વાગ્યા સુધીમાં ન્યાયિક અધિકારીઓને ઉપલબ્ધ કરાવવા. 14 ફેબ્રુઆરી સુધી જમા થયેલા તમામ માધ્યમિક બોર્ડ એડમિટ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ આ અધિકારીઓને સોંપવા. આમ કોર્ટના આ નિર્દેશથી હવે બંગાળમાં ચાલી રહેલી દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયામાં વધુ સ્પષ્ટતા આવશે અને ગેરરીતિની શક્યતાઓ ઘટશે.


