
- સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ
- હવે વરસાદ પડે તો ખેડૂતને નુક્સાન
- ભાદર ડેમ પણ છલકાયો
રાજકોટ : સૌરાષ્ટ્ર તથા સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી વાતાવરણ બન્યું છે. જેતપુરનો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે અને હવે તેના કારણે ડેમના 29માંથી 17 દરવાજા ખોલવામા આવ્યા છે. ભાદર-1 ડેમ તેની નિર્ધારિત સપાટીએ સો ટકા ભરાઈ ગયેલો હોવાથી ડેમના 17 દરવાજા 5.30 વાગ્યે ૩ ફૂટ ખોલવામાં આવ્યા છે.
જો કે ડેમમાંથી પાણી છોડવામાં આવતા આજુબાજુના ગામડાઓને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે અને લોકોને યોગ્ય સમયે સલામત સ્થળે પણ ખસી જવાનું કહેવામાં આવ્યું છે.
22 લાખ લોકોને પીવાનું અને 46 ગામને સિંચાઈનું પાણી પુરૂ પાડતો ડેમ- ઈસ.1954માં 454.75 લાખના ખર્ચથી સિંચાઇના હેતુથી બનાવેલ ભાદર ડેમ 34 ફૂટની ઉંચાઈ અને 29 દરવાજા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. છેલ્લા 65 વર્ષથી અડીખમ ઊભેલ આ ડેમ આજે 24મી વાર ઓવરફ્લો થયો છે. આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર ,વીરપુર શહેરની ૨૨ લાખ લોકોને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે. આમ, તો સિંચાઇના હેતુ માટે જ બનાવેલ આ ડેમ તેની 78 કિમી લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા 46 ગામોની 36842 હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડે છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે ખેડૂતોની તો કેટલાક ખેડૂતો અનુસાર હવે વરસાદની જરૂર નથી, હવે વરસાદ આવશે તો એ પાક માટે આફતનો વરસાદ સાબિત થઈ શકે છે. થોડા સમય પહેલા ખેડૂતોને વરસાદના પાણીની જરૂર પડી હતી, થોડા સમય માટે વરસાદ પાછો ખેંચાઈ ગયો હતો ત્યારે ખેડૂતોને તકલીફ પણ પડી હતી પણ હવે જરૂરી વરસાદ તેમને મળ્યો હોવાથી તે લોકો હવે પ્રાથના કરે છે કે હવે વધારે વરસાદ ન પડે તો પાક યોગ્ય રીતે ઉગી શકે છે.