ભુનેશ્વર સ્થિત રાજા-રાણી અને લિંગરાજ મંદિરની દેખરેખ હવે ડ્રોનના માધ્યમથી કરાશેઃ તેના ઉપયોગ માટે સરકારે આપી મંજૂરી
- ભુનેશ્વરના બે મોટા મંદિરોની દેખરેખ કરાશેડ્રોન દ્રારા
 - કેન્દ્રએ ડ્રોનના ઉપયોગની આપી મંજૂરી
 
દિલ્હીઃ સમગ્ર દેશમાં પ્રાચીન મંદિરોની જાળવણી અને તેની સુરક્ષા માટે અનેક મહત્વના પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા, ભુવનેશ્વરને હવે મંદિરની સુરક્ષા માટે ડ્રોનનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે
નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયે માનવરહિત વિમાન પ્રણાલી નિયમો, 2021 હેઠળ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ભુવનેશ્વરને શરતી મુક્તિ આપી છે. આ છૂટછાટ પછી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સાથ સહયોગથી ડ્રોન દ્વારા હવાઈ સર્વેક્ષણ અને કેન્દ્રિય સુરક્ષિત સ્મારકોનું ફોટોગ્રામેટ્રી કરી શકાશે. આ મામલે એનઆઈએસઈઆર એ માહિતી આપી છે કે સરકારની પરવાનગી બાદ તે ડ્રોન દ્વારા ભુવનેશ્વરમાં રાજા-રાણી મંદિર અને લિંગરાજ મંદિર પર નજર રાખશે.
સરકાર દ્વારા આપવામાં આવેલી આ છૂટછાટ મંજુરીની તારીખથી અથવા આગળના ઓર્ડર સુધી એક વર્ષના સમયગાળા માટે માન્ય ગણવામાં આવશે અને ડીજીસીએ દ્વારા જારી કરાયેલ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાના નિયમો અને શરતોને આધીન રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં હરિયાણાને પણ ડ્રોનનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તેનો ઉદ્દેશ માહિતી સંપાદન, અમૃત શહેરો જેવા કે હિસાર, પંચકુલા અને અંબાલા શહેરી વિસ્તારના વિકાસ માટે મેપિંગ અને મિલકત વેરા સર્વેક્ષણ જેવી માહિતી મેળવવાનો હતો.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

