વિશ્વભરના લાખો મુસ્લિમો દર વર્ષે હજ અને ઉમરાહ અદા કરવા માટે સાઉદી અરબ જાય છે. ઇસ્લામમાં આ પવિત્ર યાત્રાનું વિશેષ મહત્વ છે અને માન્યતા મુજબ હજ અથવા ઉમરાહ અદા કર્યા બાદ મુસ્લિમોના પાપ માફ થઈ જાય છે. પરંતુ આ જ દેશમાં, જ્યાં દારૂને હંમેશા હરામ ગણવામાં આવી છે, હવે દારૂના બે નવા સ્ટોર ખુલવાના છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, સામાજિક અને આર્થિક સુધારા અંતર્ગત સાઉદી અરબ ધહરાન અને જિદ્દામાં બે નવા સ્ટોર ચાલુ કરવામાં આવી રહ્યાં છે. ગયા વર્ષે રિયાધમાં માત્ર બિન-મુસ્લિમ રાજદૂત માટે શાંતિપૂર્વક એક સ્ટોર શરૂ કરવામાં આવ્યો હતો. નવા બે સ્ટોર્સની જાહેરાત આ જ પ્રક્રિયાની આગળની કડી છે.
ધહરાનમાં અરામકોના સ્વામીત્વ ધરાવતા કેમ્પસની અંદર એક નવું સ્ટોર ખુલશે. આ સ્ટોર મુખ્યત્વે બિન-મુસ્લિમ વિદેશી કર્મચારીઓને સેવા આપશે. જિદ્દામાં એક અલગ આઉટલેટ ખુલશે, જે બિન-મુસ્લિમ રાજદૂતોને સેવા આપશે. સૂત્રો અનુસાર, રિયાધમાં ખુલેલા પહેલા સ્ટોરના ગ્રાહકોની યાદી હવે વધારી દેવામાં આવી છે, જેમાં બિન-મુસ્લિમ સઉદી પ્રીમિયમ રેસિડન્સી ધરકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રીમિયમ રેસિડન્સી સામાન્ય રીતે મોટા રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતા લોકોને આપવામાં આવે છે.
દેશમાં પહેલો શરાબ સ્ટોર રિયાધમાં ખુલ્યો હતો. તેના પહેલાં સઉદીઅરબમાં દારૂ માત્ર ડિપ્લોમેટિક મેલ, બ્લેક માર્કેટ અથવા ઘરેલું રીતે બનાવેલી દારૂ માધ્યમથી જ ઉપલબ્ધ હતી. ખાડીના અન્ય દેશોમાં કુવૈત સિવાયચોક્કસ શરતો સાથે શરાબની મંજૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1952માં થયેલી એક હિંસક ઘટનાને પગલે સાઉદી અરબમાં શરાબ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. તે સમયે રાજા અબ્દુલઅઝિઝના એક પુત્રએ નશાની હાલતમાં એક બ્રિટિશ રાજદૂતની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ રાજપરિવાર દ્વારા દેશમાં કડક સામાજિક નિયમો અમલમાં મૂકાયા હતા.

