ડિલિવરી બોયઝની સુરક્ષા માટે મોટો નિર્ણય: 10 મિનિટની મર્યાદા હટી
નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: દેશમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતો અને ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા કરવામાં આવતા ’10 મિનિટમાં ડિલિવરી’ના વચન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરી ડિલિવરી માટેની સમય મર્યાદા હટાવવા સૂચના આપી છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ડિલિવરી બોયઝ પર રહેતા સમયના દબાણ અને તેના કારણે થતા અકસ્માતો અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીની દરમિયાનગીરી બાદ તમામ કંપનીઓએ ખાતરી આપી છે કે તેઓ સોશિયલ મીડિયા અને એડવર્ટાઈઝમેન્ટમાંથી ’10 મિનિટ ડિલિવરી’ નું ટેગ હટાવી દેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 25 ડિસેમ્બર અને 31 ડિસેમ્બરના રોજ દેશભરમાં ગિગ વર્કર્સ (ડિલિવરી પાર્ટનર્સ) દ્વારા મોટી હડતાળ કરવામાં આવી હતી. ડિલિવરી બોયઝની માંગ હતી કે 10 મિનિટના ટાર્ગેટને કારણે તેમણે જીવના જોખમે વાહન ચલાવવું પડે છે. સરકારના આ નિર્ણયથી લાખો ગિગ વર્કર્સને રાહત મળશે અને તેમની સામાજિક સુરક્ષા તેમજ કામ કરવાની સ્થિતિમાં સુધારો થશે. સરકારના આદેશ બાદ ક્વિક કોમર્સ પ્લેટફોર્મ બ્લિંકિટે સૌથી પહેલ કરી છે. કંપનીએ પોતાની બ્રાન્ડિંગમાંથી ’10 મિનિટ’ શબ્દ હટાવી દીધો છે.
- શા માટે લેવાયો આ નિર્ણય?
અકસ્માતમાં ઘટાડો: 10 મિનિટમાં સામાન પહોંચાડવાની લ્હાયમાં ડિલિવરી બોયઝ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે.
માનસિક દબાણ: સમય મર્યાદાને કારણે ડિલિવરી પાર્ટનર્સ સતત માનસિક તણાવમાં રહેતા હતા.
સુરક્ષા અને સલામતી: શ્રમ મંત્રાલયનો હેતુ ગિગ ઇકોનોમીમાં કામ કરતા યુવાનોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે.
આગામી દિવસોમાં ઝેપ્ટો અને ઝોમેટો જેવી અન્ય કંપનીઓ પણ પોતાની એપ અને જાહેરાતોમાં આ મુજબના ફેરફાર કરે તેવી શક્યતા છે.


