બેજિંગ, 29 ઓગસ્ટ 2026: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકારે એક મોટા પગલાં હેઠળ રાજકીય સલાહકારના શીર્ષ પદ પર રહેલા જનરલ ઝાઓ ઝોંગકીને તેમના પદ પરથી હટાવી દીધા છે. જનરલ ઝાઓ તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ડોકલામ વિવાદ અને વર્ષ ૨૦૨૦માં ભારત સાથે થયેલી ગલવાન ઘાટીની અથડામણ વખતે પીપલ્સ લિબ્રેશન આર્મી (PLA)ના વેસ્ટર્ન થિયેટર કમાન્ડની કમાન સંભાળી હતી. પીએલએનું આ વેસ્ટર્ન કમાન્ડ જ તિબેટ, શિનજિયાંગ અને ભારત સાથેની ચીનની સરહદના મોટા ભાગ પર સૈન્ય ઓપરેશન્સનું સંચાલન કરે છે. રિપોર્ટ્સ અનુસાર, જનરલ ઝાઓએ જ ભારત વિરુદ્ધ ગલવાન ઓપરેશનને મંજૂરી આપી હતી.
જનરલ ઝાઓનું ચાઇનીઝ પીપલ્સ પોલિટિકલ કન્સલ્ટેટિવ કોન્ફરન્સનું સભ્યપદ છીનવી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમને અન્ય બે મહત્વના પદો પરથી પણ હટાવી દેવામાં આવ્યા છે. શી જિનપિંગના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન દરમિયાન ચીને શિસ્ત અને કાયદાના ગંભીર ઉલ્લંઘનને કારણે અગાઉ અન્ય બે સિનિયર જનરલો – ઝાંગ યુક્સિયા અને લિયુ ઝેનલીને પણ સેન્ટ્રલ મિલિટરી કમિશનમાંથી હટાવ્યા હતા.
જ્યારે વર્ષ ૨૦૧૭માં ડોકલામ ખાતે ચીની અને ભારતીય સૈનિકો 72 દિવસ સુધી આમને-સામને રહ્યા હતા, ત્યારે પણ જનરલ ઝાઓ જ વેસ્ટર્ન થિયેટર કમાન્ડ સંભાળી રહ્યા હતા. આ પછી મે 2020માં પૂર્વ લદાખમાં સરહદી વિવાદ શરૂ થયો, જે આગામી મહિને જૂનમાં ઘાતક ગલવાન અથડામણમાં પરિણમ્યો હતો. અમેરિકન ગુપ્તચર અહેવાલો મુજબ, ઝાઓએ જ ભારતને પાઠ ભણાવવા માટે ગલવાન ઓપરેશનને મંજૂરી આપી હતી. મે ૨૦૨૦માં શરૂ થયેલા આ તણાવ બાદ પીએલએ દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારે સૈૈન્ય તૈનાત કરવામાં આવ્યું હતું. ૧૫ જૂનના રોજ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં ભારત 20 વીર જવાનો શહીદ થયા હતા.


