- નિઃશુલ્ક રહેઠાણ, ભોજન અને મુસાફરી ભાડા સાથે માઉન્ટ આબુ ખાતે વિવિધ પર્વતારોહણ શિબિરો
ગાંધીનગર, 29 ઓગસ્ટ, 2026 – ગુજરાતનાં બાળકો તેમજ યુવાનો માટે માઉન્ટ આબુ ખાતે નિઃશુલ્ક પર્વતારોહણ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા રાજ્યના બાળકો અને યુવાનો માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પર્વતારોહણ તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં પસંદગી પામનાર તમામ તાલીમાર્થીઓને રહેવા, જમવા મુસાફરી ભાડાની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવશે. સાહસ અને રોમાંચના ક્ષેત્રે કારકિર્દી બનાવવા કે કૌશલ્ય વિકસાવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક સમાન છે.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર સંચાલિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ દ્વારા રાજ્યના સાહસિક બાળકો અને યુવાનો માટે આ વિવિધ તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે.
કયા કોર્સ માટે ક્યારે અરજી કરવી?
એડવેન્ચર કોર્સ:
– ઉંમર: ૮ થી ૧૩ વર્ષ
– તાલીમ: ૧૭ થી ૨૩ નવેમ્બર, ૨૦૨૬
– અરજીની છેલ્લી તારીખ: ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬
એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ કોર્સ:
– ઉંમર: ૧૫ થી ૪૫ વર્ષ
– લાયકાત: બેઝિક ખડક ચઢાણ કોર્સમાં ‘A’ અથવા ‘B’ ગ્રેડ
– તાલીમ: ૨૭ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૬
– અરજીની છેલ્લી તારીખ: ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬
કોચિંગ રોક ક્લાઇમ્બીંગ કોર્સ:
– લાયકાત: ધોરણ ૧૦ પાસ અને એડવાન્સ કોર્સ ઉત્તીર્ણ
– તાલીમ: ૧૨ ડિસેમ્બર, ૨૦૨૬થી ૧૦ જાન્યુઆરી, ૨૦૨૭
– અરજીની છેલ્લી તારીખ: ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬
આર્ટિફિશિયલ કોર્સ:
– લાયકાત: ધોરણ ૧૦ પાસ
– ઉંમર: ૧૮ થી ૪૫ વર્ષ
– તાલીમ: ૪ થી ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૭
– અરજીની છેલ્લી તારીખ: ૩૦ ડિસેમ્બર, ૨૦૨૬
ભોજન, રહેઠાણ અને મુસાફરી ભાડાની નિઃશુલ્ક સુવિધા
આ તાલીમ શિબિરમાં પસંદગી પામનાર તમામ તાલીમાર્થીઓ માટે રહેવા, જમવા તથા તાલીમની સંપૂર્ણ વ્યવસ્થા સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. તદુપરાંત, નિયત સ્થળ સુધી આવવા-જવાનું સામાન્ય એસ.ટી. બસ અથવા રેલવે સેકન્ડ ક્લાસનું મુસાફરી ભાડું પણ નિયમાનુસાર મળવાપાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી?
ગુજરાતના વતની અને રસ ધરાવતા ઉમેદવારોએ સંસ્થાના Facebook પેજ facebook.com/svimadmin પરથી નિયત અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે.
ભરેલા અરજી ફોર્મ સાથે નીચેના દસ્તાવેજોની ખરી નકલ જોડવાની રહેશે:
– આધારકાર્ડ/રહેઠાણનો પુરાવો
– શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર
– જન્મ તારીખનો દાખલો
– વાલીનું સંમતિપત્રક
– અગાઉના તાલીમ પ્રમાણપત્રો (લાગુ પડતા હોય તો)
અરજી ‘આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ, પીન: 307501’ ખાતે નિયત સમયમર્યાદામાં મોકલવાની રહેશે.
પસંદગી પામેલા ઉમેદવારોને ઈ-મેઈલ અથવા ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવશે.
વધુ માહિતી માટે: 📞 6377890298 (કચેરી સમય દરમિયાન, જાહેર રજા સિવાય)


