Homeગુજરાતીદેશ-વિદેશખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે મોટો ખુલાસો: ગોલ્ડી બરાડે લીધી...

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે મોટો ખુલાસો: ગોલ્ડી બરાડે લીધી જવાબદારી

નવી દિલ્હી, 24 ઓગસ્ટ 2026: ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. કેનેડામાં નિજ્જરની હત્યાના લગભગ ત્રણ વર્ષ બાદ એક લીક થયેલા ઓડિયો ક્લિપમાં કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બરાડ આ હત્યાની જવાબદારી લેતો સાંભળવા મળી રહ્યો છે. અમેરિકામાં છુપાયેલા ગોલ્ડી બરાડનો આ ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લીક થયેલા આ ઓડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાતચીત ખાલિસ્તાની આતંકી પરમજીત સિંહ પમ્મા અને ગોલ્ડી બરાડ વચ્ચે થઈ હતી. ઓડિયોમાં ગોલ્ડી બરાડ એવું કહેતો સાંભળી શકાય છે કે, નિજ્જર એવા લોકોનું સમર્થન કરતો હતો જેઓ 16-17 વર્ષના સગીર યુવાનોને ડ્રગ્સ વેચવા માટે ઉપયોગમાં લેતા હતા.

બરાડનો આરોપ છે કે, આ લોકો યુવાનોને ડ્રગ્સના વેપાર અને મુખબિરી કરવા માટે બ્લેકમેલ પણ કરતા હતા. નિજ્જર આવા તત્વોને તાકાત આપતો હતો જેથી જરૂર પડ્યે તેમનો ઉપયોગ કરી શકાય. ગોલ્ડી બરાડે દાવો કર્યો છે કે, આ જ કારણસર તેણે અને તેની ટીમે મળીને નિજ્જરને ખતમ કરવાનું પગલું ભર્યું હતું. ઓડિયોમાં તે સ્પષ્ટ કહેતો સંભળાય છે કે, “દરેક વ્યક્તિએ પોતાના કર્મોનું પરિણામ ભોગવવું જ પડે છે.”*

મૂળ પંજાબના ફરીદકોટનો રહેતા સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ અને પરમજીત સિંહ પમ્મા વચ્ચેની આ વાતચીતે આખા કેસનું ચિત્ર બદલી નાખ્યું છે. ઇન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય એજન્સીઓ શરૂઆતથી જ કહેતી આવી છે કે નિજ્જરની હત્યા પાછળ ગેંગવૉર અને સંગઠિત અપરાધિક ગતિવિધિઓ જવાબદાર છે. અમેરિકામાં લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી બરાડ નેટવર્ક વિરુદ્ધ થયેલી કાર્યવાહીએ આ આકલનને વધુ મજબૂત કર્યું હતું. અગાઉ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હત્યા માટે ભારતીય સરકારી એજન્સીઓ પર પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા, જેને ભારતે સદંતર ફગાવી દીધા હતા. હવે આ ઓડિયો સામે આવ્યા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે નિજ્જરની હત્યા આંતરિક ગેંગવૉર અને તેના ગુનાહિત કાર્યોના કારણે થઈ હતી, જેનાથી ભારત વિરુદ્ધ કેનેડા દ્વારા ફેલાવવામાં આવેલા જૂઠાણાની પોલ ખુલી ગઈ છે.

  • 2023માં કેનેડામાં થઈ હતી હત્યા

ઉલ્લેખનીય છે કે, 18 જૂન 2023ના રોજ કેનેડાના સરે સ્થિત ગુરુ નાનક સિખ ગુરુદ્વારાની પાર્કિંગ લૉટમાં હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે નિજ્જર પોતાના ટ્રક સાથે પાર્કિંગમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે એક સફેદ રંગની સેડાણ કારે તેનો રસ્તો રોકીને બે નકાબપોષ હુમલાખોરોએ તેના પર આડેધડ આશરે ૫૦ જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધોમાં ભારે તણાવ પેદા થયો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular