અમરાવતી, 24 ઓગસ્ટ 2026: મહારાષ્ટ્રના અમરાવતી સ્થિત જિલ્લા મહિલા હોસ્પિટલના નવજાત શિશુ સઘન સંભાળ વિભાગ (NICU)માં સોમવારે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતાં ત્રણ માસૂમ નવજાત બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા. આ ગંભીર દુર્ઘટનાના પગલે હોસ્પિટલ પરિસરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જોકે, આ ભયાનક સ્થિતિ વચ્ચે હોસ્પિટલના તબીબો, નર્સો અને સ્ટાફે સાહસ દાખવીને અનેક બાળકોના જીવ બચાવી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવાર સવારે આશરે 3:30 વાગ્યે હોસ્પિટલના ત્રીજા માળે આવેલા NICU વોર્ડમાં અચાનક એક મોટો ધડાકો થયો હતો. આ ધડાકો વેન્ટિલેટરમાં થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે, જેના કારણે ક્ષણવારમાં જ વોર્ડમાં આગ અને ભારે ધુમાડો ચારેય તરફ ફેલાઈ ગયો હતો. ઘટના બની ત્યારે NICU વોર્ડમાં કુલ 39 નવજાત બાળકો સારવાર હેઠળ હતા. આગ અને ધુમાડો જોઈને ડ્યુટી પર હાજર રહેલા ડૉક્ટરો, નર્સો અને અન્ય હોસ્પિટલ સ્ટાફે સેકન્ડોનો પણ વિલંબ કર્યા વિના બાળકોને બહાર કાઢવાનું અભિયાન શરૂ કર્યું હતું. સ્ટાફની સતર્કતાથી મોટાભાગના બાળકોને સુરક્ષિત રીતે બહાર લાવીને ધુમાડા અને આગથી સુરક્ષિત અંતરે ખસેડવામાં આવ્યા હતા. જોકે, આગની આ દુર્ઘટનામાં ત્રણ નવજાત બાળકો ગંભીર રીતે દાઝી જવાથી તેમનું મૃત્યુ થયું હતું.
-
સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રીફર કરાયા બાળકો
બચાવી લેવાયેલા બાળકોમાંથી છ નવજાત બાળકોની તબિયતને ધ્યાનમાં રાખીને તેમને વધુ સારવાર અને દેખરેખ માટે તાત્કાલિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને વિશેષ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આગ એટલી ભીષણ હતી કે તેના કારણે અનેક મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો અને સામાન બળીને રાખ થઈ ગયા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. રાહતની વાત એ રહી કે આગ હોસ્પિટલના અન્ય વોર્ડ કે કક્ષો સુધી ફેલાઈ શકી ન હતી.
-
મધ્યપ્રદેશના છિંદવાડામાં પણ બની હતી સમાન ઘટના
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની દુર્ઘટના થોડા સમય પહેલા મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લા હોસ્પિટલમાં પણ બની હતી. શનિવાર વહેલી સવારે ત્યાંના NICU વોર્ડમાં વૉર્મરના ફિલામેન્ટમાં શોર્ટ સર્કિટ અને તણખારો ઝરવાના કારણે આગ લાગી હતી. તે સમયે વોર્ડમાં 33 બાળકો હાજર હતા, જેમાંથી 3 બાળકો દાઝી ગયા હતા જ્યારે સ્ટાફ અને સુરક્ષાકર્મીઓએ બાકીના 30 બાળકોનો બચાવ કર્યો હતો. સળંગ આવી ઘટનાઓ સામે આવતા હોસ્પિટલોમાં બાળ સુરક્ષા અને અગ્નિશામક વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.


